ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પંચાયતના પ્રમુખ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સભા ભવન ખાતે યોજાઈ હતી. જેમાં જિલ્લાના વિવિધ વિકાસના કામો અને મહત્વના ઠરાવોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ઉપ પ્રમુખ આરતી પટેલ, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામ પંચાયતો અને રોડના કામોને અગ્રતા : પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાએ સભાની વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લાની ૫૪૫ ગ્રામ પંચાયતો પૈકી સી.ડી.પી- ૫ યોજના હેઠળ ૧૪૯ ગ્રામ પંચાયત અને RGSA યોજના હેઠળ ૧૭ ગ્રામ પંચાયત મંજૂર થયેલ છે. આ પૈકી, સી.ડી.પી- ૫ યોજના હેઠળનાં રૂ. ૧૬.૫૦ કરોડના ૬૭ ગ્રામ પંચાયતનાં ટેન્ડરોને આજની સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. વધુમાં જિલ્લા પંચાયત હેઠળનાં અંદાજિત ૨૧૨.૭૭ કરોડના કુલ ૧૮૫ રોડનું ટેન્ડર થયું છે. જે પૈકી ૧૭૩ રોડ માટે સરકારશ્રી તરફથી ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે. હાલ ૯૫ રોડનાં કામનાં વર્ક ઓર્ડર ઈસ્યુ કરી દેવાયા છે. આજની સામાન્ય સભામાં સુવિધા પથ યોજના હેઠળનાં ૨૨ કામો તથા બજેટ લમ્પ યોજના હેઠળનાં ૭ રિસરફેસિંગ રોડનાં કામોને પણ બહાલી આપવામાં આવેલ છે.
સામાજિક માળખાગત સુવિધાને મંજૂરી : જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ વધારવા માટે પણ મહત્વના નિર્ણયો લેવાયા છે. જિલ્લા પંચાયત હસ્તકની ૧૬ આંગણવાડીઓ, ૬ દુધ ડેરી બિલ્ડિંગ, ૮ શાળાનાં ઓરડા અને ૫ ડ્રેનેજ લાઈનનાં કામો ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી મંજૂર કરવામાં આવેલા છે, જે સત્વરે પૂર્ણ કરવામાં આવશે.
GST રીફોર્મ્સને અભિનંદન આપતો ઠરાવ પસાર : આ વિકાસના કામો ઉપરાંત, સામાન્ય સભામાં એક રાજકીય અને આર્થિક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે લીધેલા NEXT-GENERATION GST સુધારાના પરિવર્તનકારી નિર્ણય બદલ અભિનંદન પાઠવતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ GST રીફોર્મ્સથી ખેડુતો, MSMEs, વેપારીઓ, મહિલાઓ, યુવાનો અને મધ્યમ વર્ગ સહિતના તમામ વર્ગને લાભ થવાનો છે, તે બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણાં મંત્રી નિર્મલાજીને અભિનંદન આપવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતની આ સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણયો ભરૂચ જિલ્લાના વિકાસને વધુ ગતિ આપશે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com