ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં કોંગ્રેસ પક્ષે આજે તાલુકા પંચાયત કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધનું મુખ્ય કારણ મનરેગા, નલ સે જલ યોજના, શૌચાલય યોજના અને અન્ય વિકાસ કાર્યોમાં થયેલો ભારે ભ્રષ્ટાચાર તેમજ ખેડૂતોને પાકની નુકસાનીનું વળતર સમયસર ન મળવું તે હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ રાણાના નેતૃત્વમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફૂલહાર અર્પણ કર્યા બાદ, કમળનું ફૂલ ઊંધું લટકાવીને રેલી સ્વરૂપે તાલુકા પંચાયત કચેરી ખાતે તાળાબંધી કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, પોલીસ દ્વારા તેમને કચેરીએ પહોંચતા પહેલાં જ અટકાવીને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. કોંગ્રેસે ભ્રષ્ટાચાર અને વહીવટી નિષ્ફળતાના આક્ષેપો કર્યા છે.
રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે, અધિકારીઓના ભ્રષ્ટાચારને કારણે ગરીબ અને ખેડૂત વર્ગને મળવાપાત્ર સરકારી લાભો મળતા નથી. વધુમાં, અતિવૃષ્ટિથી પાકને નુકસાન થયા છતાં ખેડૂતોને વળતર મળ્યું નથી. તેમણે આમોદ તાલુકા પંચાયતમાં નિયમિત T.D.O ની નિમણૂક ન થવાથી વહીવટી કામગીરી પર ગંભીર અસર પડતી હોવાનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ પોલીસની આ કાર્યવાહીને લોકશાહી હક્કોનું દમન ગણાવીને લોકતંત્ર માટે શરમજનક ગણાવી છે. કોંગ્રેસની મુખ્ય માંગણીઓ સ્પષ્ટ છે. પક્ષે માંગ કરી છે કે તાલુકા પંચાયતના ભ્રષ્ટાચારની હાઈ પાવર કમિટી દ્વારા તાત્કાલિક તપાસ થવી જોઈએ. આ ઉપરાંત, ખેડૂતોને પાક નુકસાનીનું વળતર તાત્કાલિક ચૂકવવું અને આમોદ તાલુકા પંચાયત ખાતે નિયમિત T.D.O. ની નિમણૂક કરવી એ તેમની મુખ્ય માંગણીઓ છે. કોંગ્રેસના કાર્યકરોએ ચેતવણી આપી છે કે જો આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વધુ મોટું આંદોલન શરૂ કરવામાં આવશે.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com