Geo Gujarat News

આમોદ: વોર્ડ-૨ની મહિલાઓએ નગરપાલિકા કચેરીમાં માટલા ફોડી આક્રોશ વ્યક્ત કર્યો, મુખ્ય અધિકારીએ પોલીસ બોલાવતા મામલો ગરમાયો

લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાથી પીડાતા આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૨ ના રહીશોનો આક્રોશ આજે ચરમસીમાએ પહોંચ્યો હતો. મહિલાઓએ રણચંડી બનીને નગરપાલિકા કચેરીમાં ધસી જઈ મુખ્ય અધિકારીની ચેમ્બરમાં માટલા ફોડીને પાણીના પ્રશ્ને ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા ઘણા સમયથી પાણીની પૂરતી વ્યવસ્થા ન થતાં સ્થાનિક રહીશોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો હતો. આ મુદ્દે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજે બપોરના સમયે વોર્ડ નંબર ૨ની મહિલાઓ માટલા લઈને પાલિકા કચેરીએ પહોંચી હતી. મહિલાઓએ નગરપાલિકા કચેરીમાં નગરપાલિકા હાય હાય તેમજ પાલિકા પ્રમુખ હાય હાયના ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. પાલિકા પ્રમુખ હાજર ન હોવાથી રોષે ભરાયેલી મહિલાઓએ સીધો જ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકની ચેમ્બરમાં ઘેરાવો કર્યો હતો. જ્યાં તેમણે માટલા ફોડીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ મુખ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી કે, અનેક વખત રજૂઆત કરવા છતાં અમારા વિસ્તારમાં પાણી આવતું નથી. ઘરમાં નહાવા ધોવાનું પણ પાણી નથી. આ સમયે વિસ્તારના પુરુષો પણ જોડાયા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી.પરિસ્થિતિ વણસતા, મુખ્ય અધિકારીએ પોલીસને બોલાવતા મામલો વધુ ગરમાયો હતો. સ્થાનિક રહીશો મુખ્ય અધિકારીના આ પગલાથી વધુ ગુસ્સે ભરાયા હતા. પોલીસે બધાને ચેમ્બરની બહાર નીકળવાની સૂચના આપતા જ, મહિલાઓ વધુ એકજૂટ થઈને ચેમ્બરની અંદર જ બેસી ગઈ હતી. આ સમયે સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, અમે અમારી સમસ્યા લઈને રજૂઆત કરવા આવ્યા હતા. અમે મુખ્ય અધિકારી સાથે કોઈ ગેરવર્તણૂક કરી નથી કે ધમકી આપી નથી. તેમ છતાં, અમને દબાવવા માટે મુખ્ય અધિકારીએ પોલીસને બોલાવીને ડરાવવાનો પ્રયાસ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ શાસિત આમોદ નગરપાલિકા પાણી જેવી પ્રાથમિક સુવિધા આપવામાં પણ સદંતર નિષ્ફળ ગઈ હોવાના કારણે લોકોમાં તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની માગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે.

યાસીન દિવાન, આમોદ

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.