Geo Gujarat News

આમોદ: રખડતા ઢોરોનો આતંક, સિનિયર સિટીઝન મહિલા પર ગાયનો હુમલો, પાલિકાની ઉદાસીનતા સામે નાગરિકોમાં ઉકળાટ

આમોદ નગરપાલિકાની ગંભીર ઉદાસીનતાને કારણે શહેરમાં રખડતા ઢોરોનો આતંક ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. આજે આ આતંકનો ભોગ એક સિનિયર સિટીઝન મહિલા બનતા સ્થાનિકોમાં ભય અને આક્રોશ ફેલાયો છે. આમોદના મધ્યમાં આવેલા સતી માતાના મંદિરે દર્શન કરવા ગયેલાં રેખાબેન મહેન્દ્રભાઈ દેસાઈ પર એક રખડતી ગાયે અચાનક હુમલો કર્યો હતો. ગાયના હુમલામાં રેખાબેનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે, જેને પગલે તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનાએ નગરપાલિકાના બેદરકાર વહીવટની પોલ ખોલી નાખી છે. નગરજનોના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા દિવસોથી આમોદના મુખ્ય માર્ગો, બજાર વિસ્તાર અને ધાર્મિક સ્થળોએ રખડતા ઢોરોનું રાજ ચાલી રહ્યું છે. નગરપાલિકામાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર માત્ર કાગળ પર કાર્યવાહી બતાવી રહ્યું છે.સ્થાનિકોમાં આ બાબતને લઈને મોટો ઉકળાટ છે કે, જંબુસર નગરપાલિકામાંથી પશુ પકડવાનું જે પાંજરું લાવવામાં આવ્યું છે, તે એક મહિનાથી વધુ સમયથી આમોદ નગરપાલિકાના આંગણે ફક્ત શોભાના ગાંઠિયા સમાન ઊભું છે. ન તો કોઈ ઢોર પકડાયો છે, ન તો નાગરિકોને રાહત મળી છે. આમોદ પોલીસ સ્ટેશન અને નગરપાલિકા બંને સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, તંત્ર સુસ્ત નિંદ્રામાં હોય તેવું જણાય છે. નાગરિકો કહી રહ્યા છે કે નગરપાલિકાની ઉદાસીનતાને કારણે રખડતા ઢોરો હવે શહેરના અનધિકૃત રાજા બની ગયા છે. નાગરિકોએ હવે અંતિમ ચેતવણી આપી છે કે, જો તાત્કાલિક ધોરણે રખડતા ઢોરોને પાંજરે પૂરવામાં નહીં આવે, તો તેઓ જન આંદોલન શરૂ કરવા માટે તૈયાર છે. આ ઘટના બાદ આમોદમાં તંગદિલીનો માહોલ છે અને લોકો તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. યાસીન દિવાન, આમોદ

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.