સમગ્ર ભારતવ્યાપી વોટ ચોર ગાડી છોડ જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે, આમોદના પુરુષા રોડ નવીનગરી વોર્ડ નંબર એક ખાતે ગઈકાલે એક ભવ્ય અને અસરકારક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન પ્રણાલીનો સખત વિરોધ કરીને સાચી લોકશાહીની પુનઃસ્થાપના માટે હાકલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કિંગ મેકર મેહબૂબ કાકુજી, આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણા, ભરૂચ જિલ્લાના મંત્રી બાબુભાઈ બરફવાલા, અને ઉમેશ પંડ્યા સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સશક્ત નેતૃત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તાઓએ EVM પ્રણાલીની ખામીઓ પર તીખી ટીકા કરી હતી. મેહબૂબ કાકુજી અને અન્ય આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, EVMને દૂર કર્યા વિના સાચી લોકશાહી સંભવ નથી.
નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, લોકશાહી પ્રણાલીમાં મતદારોનો વિશ્વાસ ફરીથી સ્થાપિત કરવો અત્યંત જરૂરી છે. આ વિશ્વાસ ત્યારે જ પાછો આવશે જ્યારે મતદાન પ્રણાલી સંપૂર્ણપણે પારદર્શક હશે. પુરુષા રોડ નવીનગરી વોર્ડ નંબર એક ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી. ઉપસ્થિત જનતાને લોકશાહી પ્રણાલી પ્રત્યે જાગૃત રહેવા અને પોતાના મતદાતાના હકો અંગે સમજણ વધારવાનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો. આ અભિયાન દ્વારા આગેવાનોએ સામાન્ય નાગરિકોને લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને EVM વિરુદ્ધના આંદોલનને વેગ આપવા માટે હાકલ કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં લોકશાહી બચાવવાનો હુંકાર ગુંજી ઉઠ્યો હતો.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com