Geo Gujarat News

ભ્રષ્ટાચારની જ્વાળા! આમોદમાં કૉંગ્રેસનું ભ્રષ્ટાચાર વિકાસ સપ્તાહ, ભાજપ સરકાર સામે રાજકીય ધમાકો!, કૉંગ્રેસના આક્રમક વિરોધ બાદ અનેક કાર્યકરોની અટકાયત

આમોદ તાલુકામાં ભાજપ સરકારના કથિત ભ્રષ્ટાચાર અને તાલુકા પંચાયતમાં ચાલતા કમિશન રાજ સામે લોકોના ધીરજનો બંધ તૂટતા આજે રાજકીય માહોલ ભડકે બળ્યો હતો. કૉંગ્રેસે આક્રમક રણનીતિ સાથે તાલુકા પંચાયત કચેરી આગળ ભ્રષ્ટાચાર વિકાસ સપ્તાહ દિવસ તરીકે અનોખી ઉજવણી કરી હતી. જે લોકશાહી ઉત્સવ નહીં પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધની જનક્રાંતિનું પ્રતિક બની ગઈ હતી. આ વિરોધે સ્પષ્ટ કર્યું છે કે સત્તાધારી પક્ષ હવે જનતાનો ભરોસો સંપૂર્ણપણે ગુમાવી ચૂક્યો છે. યુથ કોંગ્રેસ પ્રમુખ અને આમોદ તાલુકા કૉંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલના નેતૃત્વમાં સેંકડો કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરીને ભાજપને સીધું નિશાન બનાવ્યું. કૉંગ્રેસ આગેવાનોએ મનરેગા, શૌચાલય અને નલ સે જલ જેવી મહત્ત્વપૂર્ણ યોજનાઓમાં થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આંકડા રજૂ કર્યા અને તીખા શબ્દોમાં ભાજપ સરકારને આડે હાથ લીધી. આ વિરોધ દરમિયાન કાર્યકરોએ ભાજપના કમળનું ચિહ્ન ઊંધું પલટાવીને તેને ભ્રષ્ટ કમળ તરીકે રજૂ કર્યું હતું. જેણે સમગ્ર કાર્યક્રમનું કેન્દ્રીય આકર્ષણ જમાવ્યું હતું. સૂત્રોચ્ચાર સાથે સત્તા પક્ષ પર સીધી ચોટ કરતા કાર્યકરોએ ગર્જના કરી હતી. ભાજપ હમસે ડરતી હૈ, પોલીસ કો આગે કરતી હૈ! જનતા જાગી હૈ. ભ્રષ્ટાચાર ભાગી હૈ!આમોદ તાલુકા પંચાયત કચેરીની બહારનો માહોલ એટલો ગરમાયો કે આમોદ પોલીસે તાત્કાલિક ધોરણે ભારે બંદોબસ્ત ગોઠવવો પડ્યો. પરિસ્થિતિ વણસતી જોઈને પોલીસે અનેક કૉંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી તેમને પોલીસ વાનમાં બેસાડી સ્ટેશન ખાતે લઈ જઈ પૂછપરછ હાથ ધરી હતી. પરંતુ કૉંગ્રેસના કાર્યકરોના જઝ્બા પર પોલીસ કાર્યવાહીની કોઈ અસર જોવા મળી ન હતી. આંદોલન દરમિયાન કૉંગ્રેસે સત્તાધારી પક્ષને કડક ચેતવણી આપી છે, કે જો ભ્રષ્ટાચારના મામલાઓમાં કાર્યવાહી નહીં થાય, તો કૉંગ્રેસ રસ્તા પર ઉતરીને તાલુકા જ નહીં આખું ભરૂચ ધ્રુજાવી દેશે! આક્રમક નેતાગીરી કરી રહેલા નરેન્દ્ર પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભાજપના સત્તાધીશોએ તંત્રને પોતાના ખિસ્સામાં રાખી મૂક્યું છે, પરંતુ હવે લોકોના ધીરજનો અંત આવ્યો છે. તેમણે આક્રમક રણનીતિ જાહેર કરતાં કહ્યું કે, કૉંગ્રેસ હવે મૌન નહીં મુકાબલો કરશે, ખુલ્લેઆમ કરશે અને ભ્રષ્ટાચારનો હિસાબ માંગશે! આમોદમાં કૉંગ્રેસના આ ઉગ્ર વિરોધના પગલે ભાજપના સ્થાનીક નેતાઓમાં હલચલ મચી ગઈ છે. સ્પષ્ટ છે કે આગામી દિવસોમાં રાજકીય પરિસ્થિતિ વધુ ગરમાવાની અને ભ્રષ્ટાચારનો મુદ્દો ભરૂચ જિલ્લાના રાજકારણ પર પ્રભુત્વ જમાવવાની પૂરી સંભાવના છે.આ ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ માત્ર વર્તમાન તંત્ર પૂરતી સીમિત નથી. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક વિકાસના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ સત્તાધીશોની બેદરકારીનો ભૂતકાળ બોલે છે. વર્ષ ૨૦૧૮માં કૉંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકીએ ઢાઢર નદી ઉપર આડબંધ બાંધવા જેવા જનહિતના કાર્ય માટે લેખિત રજૂઆત કરી હોવા છતાં તંત્રની બહેરાશ અને ઉદાસીનતાએ તે સમયે પણ લોકોને નિરાશ કર્યા હતા. આ દર્શાવે છે કે સત્તા પક્ષની નીતિ માત્ર કમિશનખોરી પૂરતી જ મર્યાદિત નથી, પરંતુ તે વિકાસના મૂળભૂત કામોને પણ વર્ષો સુધી અવગણે છે. જેણે આમોદની જનતાના ધીરજની હદ તોડી નાખી છે. ભ્રષ્ટાચારના આ સળગતા મુદ્દા પર તાત્કાલિક અને કડક કાર્યવાહી થવી આવશ્યક છે. કરોડો રૂપિયાના સરકારી ભંડોળની લૂંટ ચલાવનારા આ ભ્રષ્ટાચારીઓ સામે માત્ર નિવેદનો કે દેખાવો નહીં, પરંતુ સખતમાં સખત કાનૂની પગલાં લેવાય તે અનિવાર્ય છે. પ્રજાના પૈસે તાગડધિન્ના કરનારા અને વિકાસના નામે કમિશનખોરી ચલાવનારા દરેક જવાબદાર અધિકારી કે રાજકારણીને તાત્કાલિક સસ્પેન્ડ કરીને તેમના પર ગુનો દાખલ થવો જોઈએ. જો તંત્ર આ ભ્રષ્ટાચારીઓને બચાવવાનો પ્રયત્ન કરશે, તો જનતાનો આક્રોશ વધુ ભડકશે અને કૉંગ્રેસે આપેલી ચેતવણી મુજબ, આખો ભરૂચ જિલ્લો હચમચી ઉઠશે. ભ્રષ્ટાચારીઓનું સ્થાન જેલમાં હોવું જોઈએ, સત્તા પર નહીં!યાસીન દિવાન, આમોદ

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.