ભારત સરકાર દ્વારા વકફની મિલકતોના ડિજિટલાઇઝેશન અને વ્યવસ્થાપનને સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા UMEED પોર્ટલ પર ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવા માટે આમોદ સ્થિત બચ્ચો કા ઘર ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દરગાહ, કબ્રસ્તાન, ઇદગાહ, મસ્જિદ, સ્કૂલ, અને હોસ્પિટલ જેવી વકફની મિલકતોને પોર્ટલ પર નોંધણી કરવાની આ કામગીરીના મહત્ત્વ અને તેની પ્રક્રિયા વિશે વિસ્તૃત તાલીમ આપવાનો આ સુંદર કાર્યક્રમ ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો માટે ખૂબ ઉપયોગી સાબિત થયો હતો. આ કાર્યક્રમમાં UMEED પોર્ટલ અંગેની વિગતવાર માહિતી અને પ્રેક્ટિકલ તાલીમ પ્રદાન કરવા માટે ગુજરાત રાજ્ય વકફ બોર્ડના મેમ્બર્સ જનાબ એડવોકેટ તોસિફ વ્હોરા અને બોર્ડના અન્ય કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉપસ્થિત સંચાલકોને નોંધણી માટે જરૂરી દસ્તાવેજો, પોર્ટલ પર ડેટા એન્ટ્રીની પ્રક્રિયા અને તેના લાંબા ગાળાના ફાયદાઓ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી.
જનબ એડવોકેટ તોસિફ વ્હોરાએ ગુજરાત રાજ્ય વકફ બોર્ડના મેમ્બર તરીકે UMEED પોર્ટલ પર વકફ સંસ્થાઓના ઓનલાઈન રજિસ્ટ્રેશનના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલું આ પોર્ટલ વકફની મિલકતો, જેવી કે દરગાહ, મસ્જિદ, કબ્રસ્તાન વગેરેની નોંધણી અને પારદર્શક વ્યવસ્થાપન માટે એક આવશ્યક પગલું છે. આમોદ ખાતે યોજાયેલા તાલીમ શિબિરમાં તેમણે ઉપસ્થિત 400થી વધુ ટ્રસ્ટીઓ અને મુત્વલ્લીઓને નોંધણી માટેની સંપૂર્ણ પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો અને પોર્ટલનો સરળતાથી ઉપયોગ કરવાની પદ્ધતિ વિશે વિગતવાર માહિતી આપી હતી. આ ઉપરાંત, તેમણે ગુજરાત વકફ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં આવા તાલીમ શિબિરોનું આયોજન કરવાની યોજના વિશે પણ જણાવ્યું હતું અને રજિસ્ટ્રેશનમાં અડચણ આવતા ટ્રસ્ટીઓ માટે ટોલ-ફ્રી નંબર દ્વારા સંપર્ક કરીને માર્ગદર્શન મેળવવાની સુવિધાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મુસ્લિમ સમાજના આગેવાન બશિર રાણાના સક્રિય સહયોગ અને નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો. તેમના પ્રયાસોથી ભરૂચ જિલ્લાના ખૂણે ખૂણેથી વકફ મિલકતોના સંચાલકોને એક મંચ પર લાવવાનું શક્ય બન્યું હતું. આ માર્ગદર્શન સત્રમાં મોલવી ઇકબાલ સાહેબ ટંકારવી, બશિર રાણા, એડવોકેટ તોસિફ વ્હોરા, ગુજરાત વકફ બોર્ડના અધિકારીઓ સહિત આસપાસના ગામોના દરગાહ તેમજ મસ્જિદના સંચાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભરૂચ જિલ્લામાંથી અંદાજિત 400 જેટલા મુસ્લિમ સમાજના આગેવાનોની નોંધપાત્ર હાજરીએ આ કાર્યક્રમની સફળતાની સાક્ષી પૂરી હતી. આ તાલીમ કાર્યક્રમ દ્વારા વકફ મિલકતોની પારદર્શિતા અને કાર્યક્ષમ વ્યવસ્થાપનની દિશામાં એક મોટું પગલું લેવાયું છે, જે આગામી સમયમાં મુસ્લિમ સમાજની ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓના સંચાલનને વધુ સુદૃઢ બનાવશે.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com