આમોદ તાલુકાના આઝમનગર પાસે પોલીસને બાતમીના આધારે હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન રાજસ્થાનથી પૂણે જતી એક ટ્રકમાંથી સિરામિક પાઉડરની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. પોલીસે કુલ 15.64 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપીને પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે આઝમનગર પાસે વોચ ગોઠવી હતી. સવારે રાજસ્થાન પાસિંગની ટ્રક નંબર RJ-27 GD-6051 રોકી તપાસ કરતાં તેમાં સિરામિક પાઉડરની થેલો વચ્ચે છુપાવેલા વિદેશી દારૂની 92 બોટલ મળી આવી, જેની કિંમત 33,580 જેટલી થાય છે.
પોલીસે ત્રણ આરોપીઓની અટક કરી હતી. જેમાં સુરેશકુમાર રાજુરામ બંજારા (રહે. કુંભલગઢ, રાજસ્થાન), ઓમપ્રકાશ રતનલાલ જાટ (રહે. પીપરડા, રાજસ્થાન) તેમજ મીઠુદાસ સોહનદાસ રંગાસ્વામી (રહે. કુંભલગઢ, રાજસ્થાન) ને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડા 950, ત્રણ મોબાઇલ ફોન કિંમત 30,000), ટ્રક કિંમત 15 લાખ સહિત કુલ 15,64,230નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમોદ પોલીસ દ્વારા આરોપીઓ સામે ગુજરાત દારૂબંધી કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com