Geo Gujarat News

આમોદ: રખડતા પશુઓ સામે નગરપાલિકાની આંખો બંધ, નગરજનોમાં ઉકળાટ અને ભયનો માહોલ

આમોદ શહેરમાં રખડતા પશુઓનો આતંક ચરમસીમાએ પહોંચી ગયો છે. તેમ છતાં આમોદ નગરપાલિકા સંપૂર્ણ નિષ્ક્રિય રહી છે. મુખ્ય માર્ગો પર રોજિંદા પશુઓના જમાવડાને કારણે ટ્રાફિક જામ, અકસ્માતો અને ભયનો માહોલ સર્જાયો છે. તાજેતરમાં મંદિરે દર્શન માટે ગયેલા એક વડીલ નાગરિકને રખડતા પશુએ ઇજા પહોંચાડતા નગરજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. નગરપાલિકાની બહાર ઉભેલો ઢોર ડબ્બો છેલ્લા બે મહિનાથી માત્ર શોભાના પાત્ર તરીકે ઉભો છે. જ્યારે ગંદકી વચ્ચે ગાય-બળદ કચરો ખાઈને મૃત્યુ પામી રહ્યા છે. નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે માનવતા અને ફરજના અર્થ હવે ફક્ત બોર્ડ પર જ લખાયેલા રહી ગયા છે? સ્થાનિક સભ્ય ઉમેશ પંડ્યાએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં નગરપાલિકા તરફથી કોઈ કાર્યવાહી થઈ નથી. કલેકટરના હુકમોનું પણ અમલ થતું નથી. નગરજનોની માંગ છે કે પશુ માલિકોની બેદરકારી સામે કડક કાયદેસર કાર્યવાહી થાય કારણ કે દૂધ મળે ત્યારે ગાય તેમની અને રસ્તા પર પ્રસવે ત્યારે જાહેરની બને છે. હાલની સ્થિતિ એવી છે કે નગરપાલિકા નહીં, પરંતુ રખડતા પશુઓ જ આમોદના સાચા શાસક બની ગયા હોય તેમ લાગે છે.

યાસીન દિવાન, આમોદ

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.