Geo Gujarat News

વાગરા: સાયખા GIDCમાં બોઇલર બ્લાસ્ટ, 2ના મોત, ત્રીજા લાપતા શ્રમિકની શોધખોળ ફરી શરૂ કરાઇ

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા નજીક સ્થિત સાયખા GIDC માં આવેલી વિશાલ્યાકરની ફાર્મા કેમ નામની કંપનીમાં ગતરોજ મોડી રાત્રે લગભગ ૨.૩૦ વાગ્યાની આસપાસ એક પ્રચંડ બોઇલર બ્લાસ્ટ થતાં આખો વિસ્તાર ધણધણી ઊઠ્યો હતો અને એક ભયાનક ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં અત્યાર સુધીમાં બે શ્રમિકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ૨૪ જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ મૃત્યુ પામેલા શ્રમિકોની ઓળખ મનીષકુમાર અરવિંદ કુમાર મંડલ (ઉ.વ. ૨૨, મૂળ બિહાર) અને ધર્મેન્દ્ર નંદકિશોર મહોર (ઉ.વ. ૩૨, રહે. અમદાવાદ) તરીકે થઈ છે. જોકે, આ દુર્ઘટનામાં સુરજ રાજકુમાર નિશાદ (મૂળ ઉત્તર પ્રદેશ) નામના ત્રીજા શ્રમિક હજી પણ લાપતા હોવાનું માનવામાં આવે છે. બ્લાસ્ટની તીવ્રતાના કારણે કંપનીનું માળખું સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું હોવાથી બચાવ ટીમોને કાટમાળ હટાવીને ત્રીજા લાપતા શ્રમિકના શવની શોધખોળ ફરીથી શરૂ કરવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે.ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થના અધિકારીના જણાવ્યા મુજબ, કંપનીમાં રાત્રિના સમયે ત્રણ ટન જેટલા ટોલ્વીન કેમિકલની કામગીરી ચાલી રહી હતી ત્યારે બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેની અસર માત્ર વિશાલ્યાકરની ફાર્મા કેમ પૂરતી મર્યાદિત ન રહેતા આસપાસની ૪ થી ૫ જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રક્ચર્સને પણ વ્યાપક નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ ૪ થી ૫ ફાયર ટેન્ડરો સાથે ફાયર વિભાગ અને વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ પર કાબૂ મેળવી રાહત-બચાવની કામગીરી હાથ ધરી હતી. આ સમગ્ર મામલે ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા આજરોજ સ્થળ તપાસ કરવામાં આવી હતી અને બ્લાસ્ટના ચોક્કસ કારણો તેમજ કંપનીમાં સલામતીના નિયમોનું પાલન થયું હતું કે કેમ તે અંગે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું હતું, કે કાટમાળ હટાવ્યા બાદ ચોક્કસ કારણ જાણવા મળશે.જોકે આ દુર્ઘટના બાદ સાયખા ગામના સરપંચ જયવીરસિંહે વહીવટી તંત્ર અને GPCB પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ જોખમી કંપની કોઈ પણ જાતની મંજૂરી વગર જ ધમધમી રહી હતી. તેમ છતાં GPCB દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવતું ન હતું. તેમણે GIDCમાં નિયમોનું ઉલ્લંઘન કરીને કરાયેલા રેસિડેન્સીયલ બાંધકામ સામે પણ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર કડક પગલાં નહીં લે, તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, બે મહિના અગાઉ પણ સાયખા GIDCમાં અન્ય એક કંપનીમાં આગ લાગી હતી. અને ત્યારે પણ રસ્તા પરના ખાડાઓને કારણે ફાયર ટેન્ડરોને પહોંચવામાં વિલંબ થયો હતો. આ સતત બની રહેલી ઘટનાઓ GIDC વિસ્તારમાં ઔદ્યોગિક સલામતી અને માળખાકીય સુવિધાઓની ગંભીર બેદરકારી તરફ ઈશારો કરે છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.