Geo Gujarat News

આમોદ-જંબુસર રોડ પર ઢાઢર નદીના બ્રિજ પર ગંભીર અકસ્માત, કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે બે બાઇક સવારો ઘાયલ

આમોદ-જંબુસર રોડ પર આવેલી ઢાઢર નદીના બ્રિજ પર આજે કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે એક પછી એક બે બાઇક સવારો અકસ્માતનો ભોગ બન્યા હતા. બ્રિજનું સમારકામ કાર્ય પૂર્ણ થઈ ગયું હોવા છતાં કામગીરીમાં વપરાયેલું એક જનરેટર મશીન બ્રિજના મધ્ય ભાગમાં જ જોખમી રીતે મુકેલું રહેતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે બે નિર્દોષ બાઇક ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક માહિતી મુજબ એક બાઇક ચાલક નોકરી પરથી ઘરે પરત ફરતો હતો. જ્યારે બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અંધારામાં નજરે ન ચઢતાં તે મધ્યમાં મુકેલા જનરેટર મશીન સાથે જોરદાર રીતે અથડાયો હતો. અથડામણ એટલી જોરદાર હતી કે, બાઇક ચાલક રોડ પર ફંગોળાઈ ગયો હતો. તેની બાઇકને પણ મોટું નુકસાન થયું હતું.આ ચાલકને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જેના કારણે તેને તાત્કાલિક સારવાર અર્થે આમોદ આરોગ્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રથમ અકસ્માત સર્જાયાના થોડા જ ક્ષણોમાં સામેથી આવતા બીજા એક બાઇક ચાલક જે જંબુસરથી ભરૂચ તરફ જઈ રહ્યો હતોનું સંતુલન પણ આ પરિસ્થિતિના કારણે બગડ્યું હતું અને તે પણ રોડ પર પટકાયો હતો. સદનસીબે તેને પગમાં ઈજા થઈ હતી. સ્થળ પર હાજર અન્ય વાહનચાલકોએ તુરંત મદદ કરીને બંને ઘાયલોને સહાય કરી હતી અને વધુ અકસ્માત ન થાય તે માટે જોખમી રીતે પડેલા જનરેટર મશીનને તાત્કાલિક બ્રિજની સાઇડમાં ખસેડ્યું હતું.સ્થાનિક લોકોએ આ ઘટના માટે સમારકામ કરનાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ પર કડક પગલાં લેવાની માંગ કરી છે. તેમના જણાવ્યા મુજબ અકસ્માત માટે બે ગંભીર બેદરકારી જવાબદાર છે, જેમાં સમારકામ પૂર્ણ થયા બાદ પણ મશીન દૂર ન કરવું, સમારકામ પૂરું થઈ ગયું હોવા છતાં બ્રિજની મધ્યમાં વપરાયેલું જનરેટર મશીન દૂર કરવાની તસ્દી લેવામાં આવી ન હોતી. જે એક અક્ષમ્ય ભૂલ છે. બ્રિજ પર ચેતવણીના ભાગરૂપે પાણીની સિન્ટેક્સ મૂકવામાં આવી હતી. પરંતુ તેના પર લગાવેલું રેડિયમ એકદમ ઝાંખું હતું. વાહન ચાલકોને મતે રાત્રિના સમયે અથવા દૂરથી આ સિન્ટેક્સ કોઈ ચેતવણી જેવી દેખાતી જ નહોતી. કોન્ટ્રાકટરની આ બેવડી બેદરકારીને કારણે જ બે બાઇક ચાલકોને જોખમની જાણ ન થઈ શકી અને આ અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવે છે. વહીવટી તંત્રએ આવા બેજવાબદાર કોન્ટ્રાકટરો સામે સખત કાર્યવાહી કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં નિર્દોષ નાગરિકોનો જીવ જોખમાય નહીં.યાસીન દિવાન, આમોદ

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.