Geo Gujarat News

આમોદનો NH-64 ભયાવહ અકસ્માત ઝોન! ઈંટો ભરેલ ટ્રકને નડ્યો અકસ્માત, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?

આમોદ નેશનલ હાઇવે નંબર 64 હવે માત્ર માર્ગ નહીં પણ એક જીવલેણ જાળ બની ગયો છે. અને સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા શરમજનક સ્તરે પહોંચી છે. છેલ્લા કેટલાક દિવસોમાં અકસ્માતોની જે વણથંભી શ્રેણી સર્જાઈ છે, તે સ્પષ્ટ દર્શાવે છે કે સત્તાધીશો જાણે કોઈ મોટી લોહીયાળ દુર્ઘટનાની રાહ જોઈને બેઠા છે. ​બત્રીસી નાળાથી માંડીને શમાં ચોકડી સુધીના માર્ગની હાલત અતિ ભયાવહ છે. મુખ્ય માર્ગ પર એટલા મોટા અને ઊંડા ખાડાઓ પડ્યા છે કે વાહનોની ગતિ જાળવવી કે તેને નિયંત્રિત કરવું લગભગ અશક્ય બની ગયું છે. બચ્ચો કા ઘર નજીક ઇંટો ભરેલ ટ્રક જે રીતે ખાડામાં ખાબકી તે ઘટના તંત્ર માટે ચોપડાયેલ તમાચો છે. ભારે વાહનો પણ જ્યાં સુરક્ષિત નથી. ત્યાં સામાન્ય નાગરિકોની શું હાલત થતી હશે?એક તરફ મુખ્ય માર્ગ ખંડિત છે, ત્યારે વાહન ચાલકો મજબૂરીમાં સર્વિસ રોડનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ તંત્રની નિષ્ક્રિયતાએ તે માર્ગને પણ નરક બનાવી દીધો છે. સર્વિસ રોડ પર ટ્રક ગટરમાં ગરકાવ થવાની ઘટનાએ દર્શાવી દીધું છે કે, ખુલ્લી અને તૂટેલી ગટરો અહીં રાહદારીઓ અને વાહન ચાલકો માટે મોતનો સામાન બનીને પડી છે. બે દિવસ પહેલા જ એક મોપેડ સવાર આ જીવલેણ ખાડામાં પટકાયો હતો. સદનસીબે તે બચી ગયો, પરંતુ આ ક્યાં સુધી ચાલશે? ​સૌથી મોટો અને આકરો સવાલ એ છે કે, જંગી ટોલ ટેક્સ વસૂલ્યા પછી પણ માર્ગની આ દશા કેમ છે? શું રોડ કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુઓ વચ્ચેની સાંઠગાંઠે આ માર્ગને બલિનો બકરો બનાવી દીધો છે? જાગૃત નાગરિકો હવે ખૂલ્લેઆમ પૂછી રહ્યા છે કે, તંત્ર શું કોઈ પરિવારના વિનાશની રાહ જોઈને બેઠું છે, જેથી તેના પર રાજકારણ કરીને થોડી હલચલ કરી શકાય? ​આ માર્ગ પરની જોખમી સ્થિતિ માટે તંત્ર સીધું જ જવાબદાર છે. જો તાત્કાલિક ધોરણે આ ખાડાઓ અને ખુલ્લી ગટરોનું સમારકામ નહીં થાય, તો આગામી મોટી દુર્ઘટનાની સંપૂર્ણ જવાબદારી તંત્રના માથે આવશે. આમોદની જનતા હવે માત્ર આશ્વાસનો નહીં, પણ નક્કર અને તાત્કાલિક કાર્યવાહી ઈચ્છે છે!યાસીન દિવાન, આમોદ

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.