સરકારના સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે અત્યાર સુધી ઉદાસીન રહેલી આમોદ નગરપાલિકા આખરે સફાળી જાગી છે. આજરોજ નગરપાલિકાના મુખ્ય અધિકારીની આગેવાની હેઠળ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં કડક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા લારી-ગલ્લા ધારકોને કડક સૂચના આપી સમજાવવામાં આવ્યા હતા, જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને સ્થળ પર જ નોટિસ ફટકારવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાળવવા માટે દંડનું માળખું જાહેર કરવામાં આવ્યું છે. મુખ્ય અધિકારીએ લારી-ગલ્લા ધારકોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો પ્રથમ વખત ગંદકી કરતા પકડાશે તો 500 નો દંડ વસૂલવામાં આવશે. જ્યારે બીજી વખત કચરો ફેલાવતા ઝડપાશે તો 700 નો દંડ થશે. અને જો તેમ છતાં પણ સુધારો નહીં આવે, તો અંતિમ પગલાં રૂપે નગરપાલિકા દ્વારા લારી-ગલ્લા જપ્ત કરવાની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી આમોદ નગરપાલિકા તંત્ર શહેરમાં ફેલાતા કચરા બાબતે નિષ્ક્રિય જણાતું હતું. પરંતુ રાજ્ય સરકારની સ્વચ્છતા ઝુંબેશના દબાણ અને આદેશોના પગલે તંત્રમાં હરકત જોવા મળી છે. નગરપાલિકાની આ આક્રમક કાર્યવાહીથી ગંદકી ફેલાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકાની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેમ જાણવા મળ્યું છે, જેથી શહેરને ગંદકીમુક્ત બનાવી શકાય. આમોદ નગરપાલિકા દ્વારા પોલીસ કાફલાને સાથે રાખીને જે રીતે લારી-ગલ્લા ધારકો પર તવાઈ બોલાવવામાં આવી છે, તેનાથી ગંદકી ફેલાવતા તત્વો અને નિયમભંગ કરનારા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પાલિકા પ્રશાસને માત્ર મૌખિક સમજણ જ નહીં, પરંતુ સ્થળ પર જ નોટિસ ફટકારીને અને ભારે દંડની સાથે લારી-ગલ્લા જપ્ત કરવાની સીધી ચીમકી આપતા વેપારીઓમાં સોપો પડી ગયો છે. અત્યાર સુધી કચરા બાબતે નિશ્ચિંત રહેતા લારી-ગલ્લા ધારકો હવે નગરપાલિકાના આ આક્રમક તેવર જોઈને ફફડી ઉઠ્યા છે અને શહેરના જાહેર માર્ગો પર સ્વચ્છતા જાળવવા મજબૂર બન્યા છે.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com