Geo Gujarat News

​જંબુસર-આમોદ વચ્ચે ઢાઢર નદી પર ૧૯.૧૯ કરોડના ખર્ચે નવા બ્રિજને મંજૂરી, પંથકની જનતામાં ખુશીનો માહોલ

ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદને જોડતા મહત્વના માર્ગ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને વાહનચાલકોની સુવિધા માટે કેન્દ્ર સરકારના વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઢાઢર નદી પર હાલના જૂના બ્રિજની સમાંતર એક નવો બ્રિજ બનાવવા માટે ૧૯.૧૯ કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. આ સાથે જ વર્ષો જૂના હયાત બ્રિજની હાલત સુધારવા માટે તેના રિપેરિંગ કામને પણ લીલી ઝંડી આપી દેવામાં આવી છે. ​વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ માટેનું ટેન્ડર આજરોજ ઓનલાઈન પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. જે કામગીરીમાં ગતિ લાવવાનો સંકેત આપે છે. લાંબા સમયથી આ વિસ્તારના લોકો નવા બ્રિજની માંગ કરી રહ્યા હતા, કારણ કે જૂના બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. હવે નવા બ્રિજની મંજૂરી મળતા આર્થિક અને સામાજિક ગતિવિધિઓને વેગ મળશે.વર્તમાન સ્થિતિએ ઢાઢર નદી પરનો જૂનો બ્રિજ જર્જરિત હોવાને કારણે સુરક્ષાના કારણોસર ત્યાંથી માત્ર ૨૫ ટન સુધીના વજન ધરાવતા વાહનોને જ પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે. આ મર્યાદાને કારણે ભારે માલવાહક વાહનોને લાંબો રૂટ લેવો પડે છે. જેને કારણે અનેક મુશ્કેલી વેઠવી પડતી હોઈ છે. હવે ૧૯.૧૯ કરોડના ખર્ચે નવો સમાંતર બ્રિજ તૈયાર થવાથી આ વજન મર્યાદાની સમસ્યા કાયમી ધોરણે હલ થશે. નવા બ્રિજને કારણે ભારે વાહનોની અવરજવર સરળ બનશે જેનાથી સમય અને ઈંધણની બચત થશે અને સ્થાનિક ઉદ્યોગો તેમજ વાહનચાલકોને ખૂબ મોટી રાહત મળશે. ​આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી અપાવવા માટે સ્થાનિક ધારાસભ્ય ડી.કે. સ્વામી અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા કરવામાં આવેલા સઘન પ્રયાસો ફળ્યા છે. કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીને પંથકની આ પડતર માંગણી સંતોષવા બદલ જંબુસર અને આમોદ પંથકની જનતા બંને લોકપ્રતિનિધિઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી રહી છે. આગામી સમયમાં આ બ્રિજનું કામ શરૂ થતા જ વાહનવ્યવહાર વધુ સુરક્ષિત અને ઝડપી બનશે.

યાસીન દિવાન, આમોદ

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.