ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં તાજેતરમાં વિદ્યાર્થીઓની કલાત્મક પ્રતિભાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જેમાં શહેરની તમામ શાળાઓના વિદ્યાર્થીઓએ ભેગા મળીને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની દિવાલો પર આકર્ષક ચિત્રકલા કંડારી શહેરને એક નવી ઓળખ આપી છે. આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ પોતાની પીંછીના લસરકે સૂની દિવાલોને જીવંત બનાવી દીધી હતી, જેમાં પર્યાવરણ સુરક્ષા, સ્વચ્છતા અભિયાન, રમતગમતનું મહત્વ અને દીકરી બચાવો જેવા ગહન સામાજિક વિષયો પર સુંદર ચિત્રો દોરીને સમાજને સકારાત્મક સંદેશ આપવાનો પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ આયોજનને પગલે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પરિસર હવે રંગબેરંગી કલાના માધ્યમથી જનજાગૃતિ ફેલાવતું કેન્દ્ર બન્યું છે. રસ્તે પસાર થતા નાગરિકો અને રમતપ્રેમીઓ પણ વિદ્યાર્થીઓની આ અદભૂત સર્જનાત્મકતા જોઈ મંત્રમુગ્ધ થયા હતા. શાળાના બાળકોમાં રહેલી સુષુપ્ત કલાને પ્લેટફોર્મ પૂરું પાડવાના આ અભિગમથી માત્ર શહેરની સુંદરતામાં જ વધારો નથી થયો, પરંતુ વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારીની ભાવના પણ સુદ્રઢ બની છે. સ્થાનિક અગ્રણીઓ અને શિક્ષણ જગતના મહાનુભાવોએ વિદ્યાર્થીઓના આ કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે, આવા કલાત્મક પ્રયાસોથી જ શહેરમાં નવી ઊર્જા અને સકારાત્મકતાનો સંચાર થાય છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023