વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા અને તેમનામાં વ્યવસાયિક અભિગમ કેળવાય તેવા શુભ હેતુ સાથે આમોદ બચ્ચો કા ઘર સંચાલિત ગુજરાતી માધ્યમ શાળામાં આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા અને વ્યાપારી કુશળતાનો પરિચય આપ્યો હતો. આ રંગારંગ કાર્યક્રમનું ઉદ્ઘાટન આમોદના પી.આઈ.ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમોદ બચ્ચોકા ઘર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, મોહતમિમ મોલાના સાહેબ, સેક્રેટરી જનાબ ઇબ્રાહિમભાઈ રાણા તેમજ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આચાર્યશ્રીઓ અને શિક્ષકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓના આ પ્રયાસને બિરદાવી તેમને જીવનમાં સતત આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.
આનંદ મેળામાં વિદ્યાર્થીઓએ સ્વહસ્તે તૈયાર કરેલી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ લગાવ્યા હતા. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં ટીમવર્ક, આત્મનિર્ભરતા અને આર્થિક વ્યવહારોની સમજ વિકસાવવાનો હતો. વિદ્યાર્થીઓએ પોતે જ ચીજવસ્તુઓનું માર્કેટિંગ અને વેચાણ કરીને વ્યવસાયિક સૂઝબૂઝનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શાળાના મેદાનમાં સર્જાયેલા મેળાના માહોલમાં બાળકો અને સ્ટાફમાં ભારે ઉમંગ જોવા મળ્યો હતો. માત્ર મનોરંજન જ નહીં, પરંતુ શિક્ષણની સાથે વ્યવહારુ જ્ઞાન આપતી આ પહેલની વાલીઓ અને સ્થાનિકોએ પણ સરાહના કરી હતી. આ કાર્યક્રમે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાની સાથે જીવનલક્ષી કૌશલ્યો શીખવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023