આજનો યુગ ડિજિટલ યુગ છે. પરંતુ તેની સાથે સાયબર ગુનાઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આવા કપરા સમયમાં ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે પ્રજાલક્ષી અભિગમ અપનાવી એક મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસ દ્વારા આયોજિત તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા ૨૧ જેટલા અરજદારોને તેમની મહેનતની કમાણીના કુલ ૯૩,૩૯,૮૩૬ પરત અપાવવામાં આવ્યા છે. આ કામગીરીને પગલે પીડિત પરિવારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સાયબર ફ્રોડનો ભોગ બનતાની સાથે જ જાગૃત અરજદારોએ સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર કોલ કરી NCCRP પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદોના આધારે ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, દેશના વિવિધ રાજ્યોની બેંકોમાં ટ્રાન્સફર થયેલા અંદાજે ૧.૭૯ કરોડ જેટલી રકમને સમયસર ફ્રીઝ કરાવી દીધી હતી. ત્યારબાદ, પોલીસે જહેમત ઉઠાવી અરજદારો વતી નામદાર કોર્ટમાં કાયદેસરની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો સાથે રિફંડ માટેના રિપોર્ટ રજૂ કર્યા હતા.
ડિસેમ્બર ૨૦૨૫ની લોક અદાલત દરમિયાન ભરૂચની ચીફ કોર્ટ દ્વારા આ બાબતે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોર્ટે ૨૧ અરજદારોની તરફેણમાં ચુકાદો આપી, ફ્રીઝ કરાયેલી રકમ પૈકી ૯૩.૩૯ લાખ પરત કરવાનો આદેશ કર્યો હતો. આજરોજ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તમામ લાભાર્થીઓને કોર્ટ ઓર્ડરની નકલો એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસે નાગરિકોને અપીલ કરી હતી કે કોઈપણ સાયબર ફ્રોડના કિસ્સામાં પ્રથમ ગોલ્ડન અવરમાં ૧૯૩૦ પર સંપર્ક કરવો જોઈએ, જેથી નાણાં બચાવવાની શક્યતા વધી જાય છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com