આમોદ શહેરમાંથી નગરપાલિકાની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જાહેર માર્ગ પર વર્ષોથી પડેલા જોખમી ભુવા અંગે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ તંત્રએ ભુવો પૂરવાની તસ્દી લેવાને બદલે તેના પર માત્ર શૌચાલયનું ઢાંકણું મૂકી દઈને સંતોષ માન્યો છે. પાલિકાની આ પ્રકારની કામગીરીથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની સતત અવરજવર ધરાવતા મુખ્ય માર્ગ પર આ રીતે માત્ર ઢાંકણું મૂકી દેવું એ કોઈ સુધારો નહીં પરંતુ અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપવા સમાન છે.સ્થાનિકો વ્યંગમાં ચર્ચા કરી રહ્યા છે કે શું આમોદ નગરપાલિકા પાસે ભુવા પૂરવા માટે કોઈ નવી ‘સ્પેસ ટેકનોલોજી’ આવી ગઈ છે? સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે જો કોઈ બાળક કે વાહનચાલક આ કામચલાઉ ઢાંકણાને કારણે અકસ્માતનો ભોગ બને, તો તેની જવાબદારી કોણ લેશે?

આ સાથે જ આમોદ શહેરમાં આવેલું જર્જરિત ટાવર પણ વર્ષોથી બિસ્માર હાલતમાં હોવા છતાં નગરપાલિકા દ્વારા માત્ર તાત્કાલિક ધોરણે દેખાવ પૂરતું સમારકામ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે, જેના કારણે આસપાસના દુકાનદારો અને લારી-ગલ્લાવાળાઓમાં પણ ભયનો માહોલ છે.
નગરજનોનો સીધો આક્ષેપ છે કે ચીફ ઓફિસર પંકજ નાયકના કાર્યકાળમાં શહેરની ગટરો ઉભરાવી, રસ્તા તૂટવા અને ભુવા પડવા જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. જનતાના કામો કરવામાં આળસ દાખવતું તંત્ર કોન્ટ્રાક્ટરોના બિલો પાસ કરવામાં ખૂબ જ ઝડપ બતાવી રહ્યું હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ગંભીર મુદ્દે જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ તંત્રને આડે હાથ લેતા ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ભુવા ઉપર માત્ર ઢાંકણાં મૂકવાથી કામ ચાલશે નહીં, લોકોને કાયમી અને સુરક્ષિત ઉકેલ જોઈએ છે. જો આગામી દિવસોમાં જાહેર માર્ગો પરના ભુવા અને ખાડાઓ કાયમી ધોરણે પૂરવામાં નહીં આવે, તો નગરપાલિકાનો ઘેરાવ કરી ઉગ્ર હલ્લાબોલ કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023