આમોદ નગરપાલિકાની ગંભીર બેદરકારી એકવાર ફરી સામે આવી છે. જાહેર માર્ગો પર ગેસ એજન્સી દ્વારા ખોદવામાં આવેલા ખાડાઓ નાગરિકોના જીવ માટે ખતરારૂપ બની ગયા છે.
આમોદના વાવડી ફળિયામાં રહેતા સોફીયાબેન દીવાન જાહેર માર્ગ પર આવેલા ખાડામાં પડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં તેમનો પગ ફ્રેક્ચર થતાં તાત્કાલિક સારવાર માટે તેમને કરજણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આમોદ નગરપાલિકાની અણગઢ વહીવટશાહી કારણે નગર અને પંથકમાં આવા અકસ્માતો સતત વધી રહ્યા છે. ગેસ એજન્સી દ્વારા જાહેર માર્ગો પર ખોદવામાં આવેલા ખાડાઓ એક વર્ષથી વધુ સમયથી જેમના તેમ પડ્યા છે, અનેક ફરિયાદો છતાં આજદિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.સ્થાનિકોમાં ચર્ચા છે કે ખાડાઓ પૂરી દેવા માટે નગરપાલિકાને લાખો રૂપિયાની રકમ ચૂકવવામાં આવી હતી, છતાં જમીન પર સ્થિતિ યથાવત છે. આ રકમનો યોગ્ય ઉપયોગ થયો કે નહીં—તે મુદ્દે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
આ બાબતે નગરપાલિકાના મુખ્ય અધિકારીએ જણાવ્યું છે કે હાલ નગરપાલિકા પાસે ગ્રાન્ટ ઉપલબ્ધ નથી અને ખાડાઓ પર અસ્થાયી રીતે શૌચાલયના ઢાંકણ મૂકવામાં આવશે. 10થી 12 દિવસ બાદ રૂપિયા આવ્યા પછી કામગીરી કરાશે.આ જવાબ નગરપાલિકાની નાણાકીય અસમર્થતા અને આયોજનની નિષ્ફળતા સ્પષ્ટ કરે છે. આમોદમાં માત્ર ખાડાઓ જ નહીં, પરંતુ ખુલ્લી ગટરો, ભુવાઓ અને જોખમી માળખાઓ પણ નાગરિકોના જીવ માટે જોખમ બની ગયા છે.
હવે પ્રશ્ન એ છે કે—શું નગરપાલિકા સમયસર પગલાં લઈ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરશે? કે પછી કોઈ મોટી દુર્ઘટના બાદ જ તંત્ર હરકતમાં આવશે?
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023