Geo Gujarat News

આમોદ: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કાળમુખી સ્કોડાની અડફેટે પનવેલના યુવકનું મોત, અકસ્માત સર્જી ચાલક ફરાર

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામ નજીક આવેલા NH-4 દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવે પર આજે વહેલી સવારે એક ગંભીર અને કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, દોરા રેસ્ટ હાઉસ પાસેના સર્વિસ રોડ પરથી ઉતરતા જોખમી વળાંક નજીક મૃતક પોતાની ઇનોવા કાર રોડની બાજુમાં ઊભી રાખી નીચે ઉતર્યા હતા. તે દરમિયાન વડોદરાથી ભરૂચ તરફ અતિઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલી સ્કોડા કારના ચાલકે તેમને જોરદાર અડફેટે લીધા હતા. અકસ્માતની તીવ્રતા એટલી ગંભીર હતી કે યુવકને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં તેમનું સ્થળ પર જ મોત થયું હતું. મૃતકની ઓળખ આકાશ દત્તાત્રેય મડકે (રહે. પનવેલ, મહારાષ્ટ્ર) તરીકે થઈ છે. જ્યારે અકસ્માત સર્જનાર સ્કોડા કારનો ચાલક પોપટભાઈ ઠાકરશીભાઈ જસાણી પટેલ હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટનામાં વધુ ચોંકાવનારી બાબત એ છે કે, અકસ્માત સર્જ્યા બાદ સ્કોડા કારનો ચાલક વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જે તેની ગંભીર બેદરકારી અને કાયદાની ખુલ્લી અવગણના દર્શાવે છે. ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી, અકસ્માત અંગે ગુનો નોંધ્યો હતો અને ફરાર ચાલકની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવે પર વધતી અતિઝડપ અને બેદરકારીભરી ડ્રાઇવિંગના કારણે સતત ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આવા બનાવો જનસલામતી માટે ગંભીર ચિંતા જનક બન્યા છે. અકસ્માત માટે જવાબદાર લોકો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા તીવ્ર માંગ ઉઠી રહી છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.