આમોદ તાલુકાના રોઝાટંકારીયા ગામને બદલપુરા ગામ સાથે જોડતો માર્ગ વર્ષોથી અત્યંત બિસ્માર હાલતમાં હતો. જેના કારણે ગ્રામજનોએ લાંબા સમયથી ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી હતી. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન આ માર્ગ પરથી અવરજવર કરવી અત્યંત જોખમભરી બની જતી હતી. ગામલોકોની લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતોને અંતે ફળ મળ્યું છે.

આમોદ-જંબુસરના ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીના સતત અને અથાગ પ્રયાસોના પરિણામે રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ માર્ગના પુનઃનિર્માણ માટે રૂ. ૨.૫૯ કરોડની માતબર ગ્રાન્ટ મંજૂર કરી હતી. મંજૂરી બાદ આશરે ૪ કિલોમીટર લાંબો નવો પાક્કો રોડ તૈયાર કરવામાં આવ્યો છે.

ગત રોજ સાંજે પાંચ વાગ્યે ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીના કરકમળે શ્રીફળ વધેરી અને રીબીન કાપી આ નવનિર્મિત રોડનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ વાત એ રહી કે, આઝાદી બાદ પ્રથમ વખત, લગભગ ૬૦ વર્ષ પછી રોઝાટંકારીયા અને બદલપુરા ગામોને પાક્કો રોડ મળતાં બંને ગામોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.

લોકાર્પણ સમારોહ દરમિયાન રોઝાટંકારીયા ગામના સરપંચ શ્રી ધર્મેન્દ્ર પંડવી, માર્ગ અને મકાન વિભાગ (જંબુસર)ના ડેપ્યુટી ઈજનેર શ્રી નિકુંજ શાહ, ભાજપના કાર્યકરો, બંને ગામોના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. ગ્રામજનોએ આ મહત્વપૂર્ણ વિકાસકાર્ય બદલ ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીના પ્રયાસોને ખુલ્લેઆમ બિરદાવ્યા હતા.

આ ઉપરાંત, ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીએ રોઝાટંકારીયા ગામે નિર્માણાધીન નવા એપ્રોચ રોડનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું અને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપી હતી.આઝાદી બાદ પ્રથમ વખત ગામોને પાક્કો રોડ મળતા ગ્રામજનો તરફથી ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીએ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023