Geo Gujarat News

આમોદના દાંડા ગામે જે.પી. કોલેજની NSS શિબિરનો ભવ્ય પ્રારંભ, ૧૦૦થી વધુ સ્વયંસેવકો લેશે ભાગ

આમોદ તાલુકાના દાંડા ગામે ભરૂચ સ્થિત શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ (જે.પી. કોલેજ) દ્વારા આયોજિત રાષ્ટ્રીય સેવા યોજના (NSS) શિબિરનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ શિબિરમાં NSSના ૧૦૦થી વધુ સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.

દર વર્ષે કોલેજ દ્વારા આયોજિત થતી NSS શિબિરના ભાગરૂપે આ વર્ષે દાંડા ગામની પસંદગી કરવામાં આવી છે.દાંડા ગામે યોજાયેલી NSS શિબિરનું ઉદ્ઘાટન ઇન્ચાર્જ આચાર્ય નીતિન પટેલ, ગામના અગ્રણી જયંતીભાઈ પટેલ તેમજ NSSના પ્રોગ્રામ ઓફિસરો દ્વારા દીપ પ્રગટાવી કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઇન્ચાર્જ આચાર્ય નીતિન પટેલે સ્વયંસેવકોને સંબોધતાં જણાવ્યું હતું કે, “શિસ્ત વિનાનું જીવન અને ભણતર નકામું છે. શિબિર દરમિયાન શિસ્ત અને શિષ્ટાચારનું પાલન કરશો તો જીવનનું સાચું ઘડતર થશે.” તેમણે સ્વયંસેવકોને શિબિરનો સદુપયોગ કરવા અપીલ કરી હતી.ઉદ્ઘાટન સમારોહના અધ્યક્ષ વિમલભાઈ પટેલે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા રાષ્ટ્રભક્તિ વધુ મજબૂત બને છે. રાષ્ટ્ર સક્ષમ બનશે તો આપણે સૌ મજબૂત બનીશું.” તેમણે NSSને યુવાનોના સર્વાંગી વિકાસ માટેનું મહત્વપૂર્ણ માધ્યમ ગણાવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન ગામના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રજૂઆતો કરવામાં આવી હતી, જેના દ્વારા ઉપસ્થિત મહેમાનો, ગ્રામજનો અને NSSના સ્વયંસેવકોનું મનોહર મનોરંજન કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે તાલુકા પંચાયત ઉપપ્રમુખ વસંતભાઈ પ્રજાપતિ, દાંડા ગામના સરપંચ ભાવિષાબેન પટેલ, ગામના અગ્રણી જયંતીભાઈ પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય હેમંતભાઈ, જે.પી. કોલેજના સિનિયર પ્રોગ્રામ ઓફિસર ડૉ. નિતાબેન પટેલ, કૈલાસ ચૌધરી, ડૉ. દીપક પારેખ, ડૉ. પિયુષ ચૌધરી, હિતેશ વસાવા, ભૂતપૂર્વ લીડર તથા પત્રકાર ઝફર ગડીમલ સહિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને મોટી સંખ્યામાં NSSના સ્વયંસેવકો તથા સ્વયંસેવિકાઓ હાજર રહ્યા હતા.

શિબિર દરમિયાન NSSના સ્વયંસેવકો દ્વારા શ્રમદાન, બૌદ્ધિક સત્રોમાં ભાગ લેવામાં આવશે તેમજ ગ્રામ્ય જીવનશૈલીને નજીકથી સમજવાની તક મળશે, જેના થકી સમાજસેવા અને જવાબદારીની ભાવના વિકસે તેવો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.