Geo Gujarat News

આમોદ નગરપાલિકાની બેદરકારીનું પ્રતિક બન્યો ટાવર, 100 વર્ષનો હેરિટેજ કે 100 ટકાનો જોખમ?, જનતાની જિંદગી દાવ પર

     આમોદમાં હેરિટેજ ટાવર બન્યો જાહેર સલામતી માટે જોખમ?

આમોદ શહેરના હૃદયસ્થાને આવેલો ઐતિહાસિક ટાવર આજે શહેરના ગૌરવનું પ્રતિક નહીં પરંતુ જાહેર સલામતી માટે ગંભીર જોખમ બની ગયો છે. વર્ષોથી જર્જરિત હાલતમાં ઊભેલો આ ટાવર કોઈ કુદરતી આફત કે શત્રુના હુમલાનો ભોગ નથી, પરંતુ આમોદ નગરપાલિકાની ઘોર બેદરકારી, નિષ્ક્રિયતા અને જવાબદારીથી ભાગવાની વૃત્તિનું જીવંત ઉદાહરણ બની ગયો છે.

                ટાવર પરથી પડતા પોપડાં, સતત જોખમ !

ટાવરના પ્લાસ્ટરના પોપડા સતત નીચે પડતાં રહે છે. તાજેતરમાં એક વેપારીને ઈજા પણ પહોંચી હતી. છતાં આ ઘટના બાદ પણ નગરપાલિકા તરફથી કોઈ તાત્કાલિક પગલાં લેવાયા નથી. સમારકામ કે સુરક્ષા વ્યવસ્થા કરવાની જગ્યાએ પાલિકાએ ફક્ત એક નોટિસ લગાવી પોતાની ફરજ પૂરી કરી હોવાનો દેખાવ કર્યો છે.

                     નોટિસ પૂરતી કાર્યવાહી, સુરક્ષા નહીં ?

આ નોટિસ હકીકતમાં ચેતવણી નથી, પરંતુ જનતાની જિંદગી પર સત્તાધીશોની નિર્દય સહી સમાન છે.મુદ્દો સ્પષ્ટ છે કે આ ટાવર કોઈ ખાનગી મિલકત નથી. આ જાહેર સંપત્તિ છે અને તેની સંપૂર્ણ સલામતીની જવાબદારી આમોદ નગરપાલિકાની છે. વેપારીઓને ધમકાવી, પોલીસ બોલાવી કે નોટિસ બોર્ડ લગાવી પાલિકા પોતાની કાનૂની અને નૈતિક જવાબદારીથી બચી શકે નહીં. જવાબદારી ટાળવાની આ રીત જાહેર જનતા માટે સ્વીકાર્ય નથી.

              ભીડભાડવાળા વિસ્તારમાં મોતની છાયા !

ટાવર ચોક આમોદનો સૌથી વધુ ભીડભાડવાળો વિસ્તાર છે. સવારથી મોડી રાત સુધી અહીં હજારો લોકો અવરજવર કરે છે. શાળાના બાળકો, કોલેજના વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો અને મુસાફરો રોજ જાણે મોતની છાયા નીચે પસાર થવા મજબૂર બન્યા છે. આવી જગ્યાએ જર્જરિત ટાવરને બિનસુરક્ષિત રાખવું એ માત્ર બેદરકારી નહીં, પરંતુ અપરાધ સમાન ગંભીર નિષ્ફળતા છે.

         માજી પ્રમુખ સાજીદ રાણાનો પાલિકા પર આક્ષેપ 

આ મુદ્દે આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણાએ અગાઉ જ રાવળ ટાવર બાબતે પાલિકાની ગંભીર બેદરકારી સામે જાહેરમાં અવાજ ઉઠાવ્યો હતો અને મીડિયા સમક્ષ આકરા પ્રહાર કર્યા હતા. તેમ છતાં સત્તાધીશો આજે પણ આંખ કાન બંધ કરીને બેઠા હોવાનો આરોપ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે. પ્રશ્ન એ છે કે શું પાલિકા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે? શું કોઈ નિર્દોષનો જીવ જશે ત્યાર બાદ જ ફાઈલો ખૂલશે? જો આવનારા દિવસોમાં ટાવરનો એક પણ પથ્થર તૂટી પડે અને કોઈને ઈજા કે જાનહાની થાય, તો તેની જવાબદારી નસીબ પર ઠેલવી નહીં ચાલે. આમોદ નગરપાલિકા તેના અધિકારીઓ અને સત્તાધીશો સીધા જવાબદાર ગણાશે એવું નગરજનો સ્પષ્ટપણે કહી રહ્યા છે.

        ચીફ ઓફિસરનો જવાબ: ચર્ચા થશે, નિર્ણય પછી

આ મુદ્દે પાલિકાના ચીફ ઓફિસરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ ટાવર 100 વર્ષથી વધુ જૂનો હેરિટેજ ટાવર છે અને તેમાં લોકોની લાગણીઓ જોડાયેલી છે. તેમણે વધુમાં જણાવ્યું કે આગામી સામાન્ય સભામાં આ મુદ્દે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે. જોકે નગરજનોનો આક્ષેપ છે કે ચર્ચાના બહાને સમય પસાર કરવો અને જોખમને અવગણવું એ અયોગ્ય છે. અને સૌથી ગંભીર અને ચોંકાવનારો પ્રશ્ન એ છે કે પાછલા ઘણા સમયથી આમોદ નગરપાલિકાની સામાન્ય સભા મળી જ નથી. ત્યારે ચીફ ઓફિસર દ્વારા આગામી સામાન્ય સભામાં ચર્ચા કરી નિર્ણય લઈશું એવો જવાબ નગરજનો માટે માત્ર આશ્વાસન નહીં પરંતુ જવાબદારી ટાળવાનો પ્રયાસ ગણાઈ રહ્યો છે. સામાન્ય સભા જ ન મળતી હોય, તો પછી આ આગામી સભા ક્યારે મળશે? અને જો સભા મળશે, તો પણ ટાવર જેવા જીવલેણ મુદ્દે નિર્ણય ક્યારે લેવાશે? આ પ્રશ્નો આજે પણ અણઉત્તરિત છે.

આમોદના નગરજનોમાં ઉગ્ર ચર્ચા છે કે જાહેર સલામતી જેવા અત્યંત ગંભીર મુદ્દાને અનિશ્ચિત ભવિષ્યની બેઠક સાથે જોડવું એ સ્પષ્ટ બેદરકારી અને સમય ખેંચવાની નીતિ છે. ટાવર આજે જોખમી છે, આવતીકાલે નહીં? તો પછી નિર્ણય આજે કેમ નહીં? સામાન્ય સભા ન મળવાની આ સ્થિતિ પોતે જ પાલિકાની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલ ઊભા કરે છે. અને ટાવર મુદ્દે લેવાતી દરેક વિલંબિત કાર્યવાહી સંભવિત દુર્ઘટનાનું આમંત્રણ બની રહી છે.

નગરજનો હવે સ્પષ્ટ સંદેશ આપી રહ્યા છે, કે નોટિસ નહીં, પરંતુ તાત્કાલિક સમારકામ જોઈએ. બોર્ડ નહીં, પરંતુ સુરક્ષા જોઈએ. જો ટાવરને તાત્કાલિક જોખમમુક્ત નહીં કરવામાં આવે, તો આ મુદ્દો જનઆંદોલનનું સ્વરૂપ લેશે અને પાલિકાની આ ઘોર બેદરકારી સામે કાયદેસર લડત શરૂ કરવામાં આવશે એ સ્પષ્ટ ચેતવણી છે.

                          જાહેર સ્થળે મોતનું મિનાર? 

જાહેર સ્થળે મોતનું મિનાર ઊભું રાખવું એ માત્ર ભૂલ નથી, પરંતુ શાસનની ખુલ્લી નિષ્ફળતા છે. અને તેની જવાબદારીથી કોઈ બચી શકે તેમ નથી.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.