Geo Gujarat News

જંબુસર ખાતે હઝરત સૈયદ ગંજશહિદ દાદા (ર.હ.) દરગાહમાં ૮૦૨મા ઉર્સની અકીદતભરી ઉજવણી, સંદલ શરીફની વિધિ સંપન્ન

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલ હઝરત સૈયદ ગંજશહિદ પીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ ખાતે ૮૦૨મા ઉર્સની અકીદત અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઉર્સ નિમિત્તે દરગાહ પર દૂરદૂરથી મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા.ઉર્સના મુખ્ય કાર્યક્રમરૂપે સંદલ શરીફની વિધિ ભવ્ય રીતે સંપન્ન કરવામાં આવી હતી. સલાતો સલામના પઠન સાથે સંદલ શરીફનો ઝુલુસ તલાવપુરા વિસ્તારમાંથી પ્રસ્થાન થયો હતો, જે પરંપરાગત રીતે શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હઝરત ગંજશહિદ પીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ પર પહોંચ્યો હતો. ઝુલુસ દરમિયાન અકીદતમંદોએ ભક્તિભાવપૂર્વક હાજરી આપી હતી.દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ સૈયદ મૌલાના અહમદ જલાલ ઉર્ફે ગંજશહિદ બાવા, સૈયદ સબ્ર શહિદ ઉર્ફે છોટે સરકાર સાહેબ તેમજ સ્થાનિક આલીમોની ઉપસ્થિતિમાં સંપન્ન કરાઈ હતી. ઉર્સ પ્રસંગે દરગાહ શરીફને ઝગમગતી રોશનીથી શણગારવામાં આવી હતી, જે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક ઉલ્લાસ ફેલાવતી નજરે પડી હતી.સંદલ શરીફની વિધિ બાદ સલાતો સલામના પઠન તેમજ ફાતેહા ખ્વાની કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સમગ્ર વિશ્વમાં શાંતિ, સુખ, સમૃદ્ધિ અને ભાઈચારો કાયમ રહે એ માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી.જંબુસર સ્થિત ગંજશહિદ દરગાહ ખાતે યોજાયેલા ઉર્સ અને મેળામાં મોટી સંખ્યામાં હિન્દુ–મુસ્લિમ ભાઈ-બહેનો ઉપસ્થિત રહી ધાર્મિક સહિષ્ણુતા, એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશો આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.