Geo Gujarat News

ભરૂચ: ખનિજ પ્રભાવિત વિસ્તારોના વિકાસ માટે DMF કમિટીએ 10.59 કરોડના કામોને લીલી ઝંડી આપી

ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) મોનીટરીંગ કમિટીની બેઠકમાં ખનિજ પ્રભાવિત વિસ્તારોની સુખાકારી માટે 10.59 કરોડના નવા વિકાસ કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત સરકારના DMF રૂલ્સ-2016 અંતર્ગત વર્ષ 2023-24 થી 2025-26 ના સમયગાળા માટે ફાળવવામાં આવેલી આ ગ્રાન્ટનો મુખ્ય હેતુ ખનિજ ઉત્ખનનવાળા વિસ્તારોમાં પાયાની સુવિધાઓ સુદ્રઢ કરવાનો છે. આ બેઠકમાં અગાઉના પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરવાની સાથે પ્રજાલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો.ફાળવવામાં આવેલા કુલ રૂ. 10.59 કરોડના બજેટમાં સૌથી વધુ શિક્ષણ ક્ષેત્રે 39 કામો માટે રૂ. 498.05 લાખ ફાળવાયા છે. આ ઉપરાંત, પર્યાવરણ જાળવણી અને પ્રદૂષણ નિવારણ માટે રૂ. 220 લાખ, ભૌતિક સુવિધાઓ માટે રૂ. 174 લાખ, સ્વચ્છતા અભિયાન માટે રૂ. 86 લાખ, પીવાના પાણીની સુવિધા માટે રૂ. 65 લાખ અને પશુપાલન ક્ષેત્રે રૂ. 16 લાખનો ખર્ચ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે બજેટની કોઈ અછત નથી, તેથી ગુણવત્તાસભર કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા જરૂરી છે. ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે ગ્રીન કવર વધારવા અને જળ સંચયના કામોને પ્રાધાન્ય આપવા જણાવાયું હતું. ઉલ્લેખનીય છે કે, ખનિજ લીઝ વિસ્તારમાંથી મળતી રોયલ્ટીના અમુક ટકા રકમ DMF ફંડમાં જમા થાય છે, જેનો ઉપયોગ આરોગ્ય, શિક્ષણ, મહિલા-બાળ કલ્યાણ અને વોટરશેડ વિકાસ જેવા પાયાના ક્ષેત્રોમાં કરવામાં આવે છે. આ બેઠકમાં વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લાના અંતરિયાળ વિસ્તારો સુધી વિકાસના ફળ પહોંચાડવા માટે આયોજનબદ્ધ કામગીરીની ખાતરી આપી હતી.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.