ભરૂચ શહેરના તુલસીધામ વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં એક વૃદ્ધ મહિલાને પાર્સલ આપવાના બહાને ઘરની બહાર બોલાવી તેમના ગળામાંથી ચેન ઝૂંટવાનો પ્રયાસ કરનાર રીઢા ગુનેગારને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે. પોલીસની આ સફળ કામગીરીને કારણે માત્ર ભરૂચનો જ નહીં, પરંતુ વડોદરાના અકોટા વિસ્તારમાં થયેલી ચેન સ્નેચિંગનો ગુનો પણ ઉકેલી શકાયો છે. પકડાયેલો આરોપી અગાઉ ગુજરાતભરમાં ૨૦થી વધુ ચેન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી.એ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એન. ચૌધરી અને સર્વેલન્સ ટીમના જવાનો પેટ્રોલિંગમાં હતા, ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે સફેદ એક્ટીવા મોપેડ (નં. GJ-06-SK-3906) સાથે આરોપીની અટકાયત કરવામાં આવી હતી. પોલીસની કડક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે ખાસ કરીને વૃદ્ધોને નિશાન બનાવતો હતો અને પાર્સલ આપવાના બહાને તેમને વિશ્વાસમાં લઈ ચેન સ્નેચિંગની ઘટનાને અંજામ આપતો હતો.
આરોપીએ ભરૂચ ઉપરાંત વડોદરાના અકોટા સ્થિત રાધાકૃષ્ણ પાર્કમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી લૂંટ કરી હોવાનું સ્વીકાર્યું છે. હાલ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વડોદરા પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. આ ધરપકડથી રીઢા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને શહેરીજનોએ પોલીસની ત્વરિત કામગીરીને બિરદાવી છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023