Geo Gujarat News

અંકલેશ્વર: યુનિયન બેંકનો સિક્યુરિટી ગાર્ડ બિનઅધિકૃત હથિયાર સાથે ઝડપાયો, ભરૂચ SOGની કાર્યવાહી

અંકલેશ્વર સ્થિત યુનિયન બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા એક શખ્સની ભરૂચ SOG પોલીસે બિનઅધિકૃત રીતે હથિયાર રાખવાના ગુનામાં ધરપકડ કરી છે. સુરતના કોસંબાનો વતની શશિનાથ આદિત્યનારાયણ તિવારી નામનો આ ગાર્ડ છેલ્લા બે મહિનાથી પીરામણ નાકા પાસે આવેલી યુનિયન બેંકમાં નોકરી કરતો હતો. તે નાગાલેન્ડ રાજ્યના હથિયાર પરવાનાના આધારે અહીં બંદૂક સાથે ફરજ બજાવતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે SOG સ્ટાફે તપાસ હાથ ધરતા શશિનાથ પાસેથી નાગાલેન્ડના દિમાપુર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલ હથિયાર પરવાનો મળી આવ્યો હતો. જોકે, કાયદા મુજબ અન્ય રાજ્યનો પરવાનો ધરાવતા વ્યક્તિએ સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે પોલીસ મથકમાં તેની નોંધ કરાવવી અનિવાર્ય હોય છે, જે આ કિસ્સામાં કરવામાં આવી ન હતી. પોલીસે આરોપી પાસેથી ૨૦,૦૦૦ ની કિંમતની ૧૨-બોરની સિંગલ બેરલ બ્રીચલોડર બંદૂક અને ૧૦ જીવતા કારતૂસ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે, આરોપી કોઈપણ સક્ષમ અધિકારીની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે ભરૂચ જિલ્લામાં હથિયાર ધરાવતો હતો. આ મામલે ભરૂચ એસ.ઓ.જી. પોલીસે આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બેંક જેવી સંવેદનશીલ જગ્યાએ આ પ્રકારે બિનઅધિકૃત હથિયાર સાથે ફરજ બજાવતા શખ્સની ધરપકડથી સુરક્ષા એજન્સીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.