ભરૂચ જિલ્લામાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયા દરમિયાન નો-મેપિંગ અને લોજિસ્ટિક કારણોસર હજારો મતદારોને અપાયેલી નોટિસના મુદ્દે રાજકીય ગરમાવો આવ્યો છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આ પ્રક્રિયા સામે સખત વાંધો ઉઠાવી જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ જિલ્લાની પાંચેય વિધાનસભામાં અંદાજે ૧.૦૪ લાખથી વધુ મતદારોને નોટિસ ફટકારવામાં આવતા લોકોમાં ભારે અસંતોષ અને મુંઝવણ ફેલાઈ છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી અને પાલિકા વિપક્ષ નેતા સમસાદઅલી સૈયદ સહિતના આગેવાનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અનેક મતદારોએ અગાઉ BLO પાસે દસ્તાવેજો જમા કરાવી દીધા હોવા છતાં તેમને ફરીથી નોટિસો મળી રહી છે. આ જટિલ પ્રક્રિયાને કારણે વૃદ્ધો, બીમારો અને દિવ્યાંગ મતદારોને હાલાકી ભોગવવી પડી રહી છે. કોંગ્રેસે માંગ કરી છે કે આ પ્રક્રિયા કચેરીઓના ધક્કા ખવડાવવાને બદલે મતદાન મથક પર જ બીએલઓ મારફતે સરળતાથી પૂર્ણ કરવામાં આવે. જો વહીવટી તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય સુધારો કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
તો બીજી તરફ આ મામલે નાયબ ચૂંટણી અધિકારી પ્રદીપ જાખડે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જિલ્લાની પાંચેય વિધાનસભામાં કુલ ૧,૦૪,૨૯૯ મતદારોને નો-મેપિંગના કારણે નોટિસ અપાઈ છે, જેમાંથી અંદાજે ૫૨ હજાર મતદારોના દસ્તાવેજો મળી ચૂક્યા છે. સિસ્ટમમાં નામ કે અટકમાં વિસંગતતા હોય તેવા કિસ્સામાં જ દસ્તાવેજો લેવામાં આવી રહ્યા છે અને જરૂર જણાય તો જ મતદારોને વ્યક્તિગત રીતે બોલાવવામાં આવે છે. જોકે, ચૂંટણી તંત્રની આ કામગીરી સામે કોંગ્રેસે લાલ આંખ કરતા હવે આ મુદ્દો આગામી દિવસોમાં વધુ વરવા સ્વરૂપ લે તેવી શક્યતા જણાય રહી છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023