Geo Gujarat News

ઝઘડિયા GIDCમાં નાઇટ્રેક્સ કેમિકલ સામે કામદારોનો હલ્લાબોલ, ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ગેટ પર ધરણા

ઝઘડિયા GIDCમાં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલો કામદારોનો અસંતોષ આજે આક્રોશમાં ફેરવાયો છે. કામદારોનો આક્ષેપ છે કે કંપની દ્વારા તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે અને વારંવારની રજૂઆતો છતાં તેમની પડતર માંગણીઓ સંતોષવામાં આવતી નથી. આ ગંભીર મુદ્દે આજે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાનમાં આવ્યા છે. તેઓ મોટી સંખ્યામાં કામદારો સાથે કંપનીના મુખ્ય ગેટની બહાર જ ધરણા પર બેસી ગયા છે અને કામદારોને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચલાવવાની ચીમકી ઉચ્ચારી છે.

કામદારોએ આંદોલન દરમિયાન મુખ્યત્વે પગાર વધારો અને કાયમી નોકરીની માંગણી કરી છે. જે અંતર્ગત ત્રણ વર્ષથી વધુ સમયથી કામ કરતા શ્રમિકોને કાયમી કરવા, તેમજ અનુભવના આધારે 20,000 થી 30,000 સુધીનો માસિક પગાર નક્કી કરવાની માંગ કરી છે. આ ઉપરાંત ઓવરટાઈમનું ડબલ વેતન, 8.33% બોનસ, પીએફમાં કંપનીનો 13% હિસ્સો, ગ્રેચ્યુઈટી, મેડિક્લેમ અને હક રજાઓ આપવા જેવી આર્થિક સુરક્ષાની માંગણીઓ પણ મૂકવામાં આવી છે. કામદારોમાં રોષ છે કે કંપની પૂરતું વળતર આપ્યા વગર તેમનું આર્થિક શોષણ કરી રહી છે.

આર્થિક માગણીઓ સિવાય સેફ્ટી અને કામના પ્રકાર બાબતે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે નવા કામદારોને તાત્કાલિક સેફ્ટી કીટ અને દર છ મહિને શુઝ મળવા જોઈએ. વધુમાં, કંપની દ્વારા કામદારો પાસે તેમની ફરજ સિવાયનું કામ લેવામાં આવતું હોવાની ફરિયાદ પણ ઉઠી છે. હાઉસકીપિંગ સ્ટાફ હોવા છતાં ઓપરેટરો પાસે ગટર સાફ કરાવવી, કલર કામ કરાવવું અને સાફ-સફાઈ કરાવવી તે કામદારોનું અપમાન અને શોષણ સમાન છે. આ તમામ અન્યાયી પ્રથાઓ બંધ કરી કામદારોના હિતમાં યોગ્ય નિર્ણય લેવાની માંગણી સાથે હાલ કંપની કેમ્પસ બહાર ભારે તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.