ગુજરાતના ઔદ્યોગિક ગઢ ગણાતા ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક સુરક્ષા અને શ્રમિક કલ્યાણના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. વાગરા તાલુકાની વિલાયત GIDCમાં આવેલ પ્રખ્યાત કલરટેક્સ કંપનીના સભાખંડમાં ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતીના નવા કાયદા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવા માટે એક ઉચ્ચસ્તરીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોમાં સુરક્ષાના ધોરણોને વધુ કડક બનાવવા માટે અમલમાં મૂકાયેલા નવા કાયદાકીય સુધારા અંગે ગુજરાતમાં યોજાયેલો આ પ્રકારનો આ પ્રથમ સેમિનાર હતો. આ કાર્યક્રમનું સંચાલન અને અધ્યક્ષતા ભરૂચના નાયબ નિયામક, ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતીના ડી.બી ગામીટ દ્વારા કરવામાં આવી હતી. તેમની સાથે સહાયક નિયામક વિમલ હડવડિયાએ પણ ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અંદાજે ચાર કલાક સુધી ચાલેલા આ સઘન તાલીમ સત્રમાં વિલાયત, સાયખા, પખાજણ અને દહેજ જેવી અગ્રણી ઔદ્યોગિક વસાહતોના વિવિધ એકમોમાંથી મોટી સંખ્યામાં સેફ્ટી ઓફિસરો અને કંપની પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
અધિકારીઓએ નવા કાયદાની એક-એક કલમ અને તેમાં થયેલા ફેરફારોને ઝીણવટપૂર્વક સમજાવ્યા હતા. જેથી ભવિષ્યમાં કોઈપણ ઉદ્યોગ એકમ કાયદાકીય ગૂંચવણમાં ન ફસાય. આ સેમિનારનો મુખ્ય સૂર એ હતો કે નવો કાયદો ઉદ્યોગ સાહસિકો અને શ્રમજીવીઓ એમ બંને માટે વિન-વિન પરિસ્થિતિનું નિર્માણ કરશે. એક તરફ જ્યાં આ કાયદો બેદરકાર એકમો પર કાયદાનો સિકંજો કસશે અને સુરક્ષાના માપદંડોમાં કોઈ પણ બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે, તો બીજી તરફ તે ઉદ્યોગનગરીમાં કામ કરતા લાખો શ્રમજીવીઓ માટે સુરક્ષા અને સ્વાસ્થ્યની ગેરંટી બનશે. નવા કાયદામાં કામદારોના સ્વાસ્થ્ય પરીક્ષણ, કાર્યસ્થળની આસપાસના વાતાવરણ અને અકસ્માત નિવારણ માટે અત્યંત કડક જોગવાઈઓ કરવામાં આવી છે. જેને હાજર રહેલા તમામ સેફ્ટી એક્સપર્ટ્સે ઉમળકાભેર આવકારી હતી.
અંતમાં આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવા સેમિનારોથી ઉદ્યોગોમાં ઝીરો એક્સિડન્ટના લક્ષ્યાંકને હાંસલ કરવામાં મોટી મદદ મળશે. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓએ આ પહેલની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ નવા કાયદાના અમલીકરણથી ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતો વૈશ્વિક સ્તરની સુરક્ષા વ્યવસ્થા તરફ આગળ વધશે.
કલરટેક્સ કંપની ખાતે આયોજિત આ મહત્વપૂર્ણ કાર્યક્રમનું સફળ અને પ્રભાવશાળી સંચાલન ઔદ્યોગિક નગરીના અગ્રણી અને જાણીતા વ્યક્તિત્વ મહેશ વસીના દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે પોતાની આગવી શૈલીમાં સેમિનારની રૂપરેખા રજૂ કરી હતી અને ઉપસ્થિત અધિકારીઓ તેમજ સેફ્ટી ઓફિસરો વચ્ચે સંવાદના સેતુ તરીકે શ્રેષ્ઠ ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમની ગરિમા જળવાઈ રહે તે રીતે કરવામાં આવેલા તેમના સુંદર સંચાલનની ઉપસ્થિત તમામ મહાનુભાવો અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ વિશેષ પ્રશંસા કરી હતી.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com