રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મેમણ સમાજ દ્વારા સામાજિક ક્રાંતિની દિશામાં એક પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે. ધોરાજીના શાહજી હોલ ખાતે બીજા મેમણ સમૂહ શાદીનું ભવ્ય અને શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધોરાજીની નામાંકિત સામાજિક સંસ્થાઓ જેવી કે એમ.એમ. સ્કૂલ, તેલી હોસ્પિટલ અને યતીમખાના ટ્રસ્ટના ચેરમેન જનાબ તુફેલભાઇ હાજી ઇકબાલ શેઠ નુરાનીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ સમૂહ શાદીમાં મૌલાના ઉવેશ યાર અલ્વી સાહેબે નિકાહ પઢાવ્યા હતા, જેમાં શહેરની ત્રણેય મેમણ જમાતના આગેવાનો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

સંકલન સમિતિના અફરોઝ ભાઇ લકડકુટાએ આ આયોજન પાછળના ઉમદા હેતુને સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, આજના મોંઘવારીના યુગમાં સામાન્ય પરિવાર માટે દીકરીના લગ્નનો ખર્ચ ઉઠાવવો કઠિન બની રહ્યો છે. મેમણ સમાજમાં લગ્નને લગતા કુરિવાજો નાબૂદ થાય અને સામાન્ય ઇન્સાન સરળતા, સાદગી તથા સન્માનપૂર્વક લગ્ન કરી શકે તેવા સૂત્ર સાથે આ બીજો સમૂહ શાદી કાર્યક્રમ યોજાયો છે.તેમણે ભારતભરના મેમણ સમાજને અપીલ કરી હતી કે ધોરાજીના આ ‘સમૂહ શાદી મોડેલ’ને દેશભરમાં અપનાવવામાં આવે જેથી ખોટા ખર્ચાઓથી સમાજ બચી શકે. સાથે જ તેમણે આગામી મે-જૂન માસમાં યોજાનારા ત્રીજા સમૂહ શાદી કાર્યક્રમમાં વધુને વધુ પરિવારોને જોડાવા હાકલ કરી હતી.

આ કાર્યક્રમનું સફળ સંચાલન અફરોઝભાઈ લકડકુટાએ કર્યું હતું, જ્યારે સ્વાગત પ્રવચન પોઠીયાવાલા મેમણ જમાતના પ્રમુખ ઇમ્તિયાઝભાઇ પોઠીયાવાલાએ આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે અમીનસર ગોડીલ, બાશીતભાઇ પાનવાલા, આસીફબાપુ કાદરી અને યાસીનભાઇ નુરાની સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં સમિતિ દ્વારા સહયોગ આપનાર તમામ દાતાઓ અને પત્રકાર મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સકલેન ગરાણા, ધોરાજી ( રાજકોટ )
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023