શહેર અને જિલ્લામાં પશુ-પક્ષીઓ પર વધતા અત્યાચારો અને તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે પશુ સુરક્ષા સંદર્ભે આપેલા ચુકાદાના વિરોધમાં ભરૂચની જીવદયાપ્રેમી સંસ્થાઓ રસ્તા પર ઉતરી આવી હતી. મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ અને સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં પશુઓ પ્રત્યે ક્રૂરતા અટકાવવા અને માનવીય અભિગમ અપનાવવા ઉગ્ર માંગ કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન જીવદયાપ્રેમીઓએ ‘શેરી શ્વાન – માનવ રક્ષક અને મિત્ર’ના સૂત્ર સાથે લોકજાગૃતિનો સંદેશ ફેલાવ્યો હતો. સંસ્થાઓએ આક્ષેપ કર્યો હતો કે અનેક સોસાયટીઓમાં શ્વાનને ગેરકાયદેસર રીતે ઉઠાવીને અજાણ્યા સ્થળે છોડી દેવામાં આવે છે, જે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છે. સરકારી ધારાધોરણ મુજબ, જો કોઈ શ્વાન આક્રમક બને તો તેને નગરપાલિકાના સેન્ટરમાં 10-15 દિવસની સારવાર આપી ફરી તે જ વિસ્તારમાં મૂકવાનો હોય છે. તેમજ હડકવાગ્રસ્ત શ્વાન માટે તંત્રની પૂર્વ પરવાનગી લેવી અનિવાર્ય છે, પરંતુ આ નિયમોનું પાલન થતું નથી. જીવદયાપ્રેમીઓએ નાગરિકોને અપીલ કરી હતી કે અબોલ જીવો પ્રત્યે સંવેદના રાખવી જોઈએ. જો કોઈને પણ ક્યાંય ઘાયલ પશુ કે પક્ષી જણાય, તો તાત્કાલિક સહાય માટે મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ (9825405992) અથવા સાર્થક ફાઉન્ડેશન (9429862900) પર સંપર્ક કરવા જણાવાયું છે. પશુઓ પર થતી હિંસા અટકાવવા અને કાયદાકીય મર્યાદામાં રહીને જ કાર્યવાહી કરવા જીવદયાપ્રેમીઓએ તંત્ર અને જનતાને હાકલ કરી છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023