ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ પતંગના દોરાથી થતા જીવલેણ અકસ્માતો અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અને જાગૃત નાગરિકો દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. ટુ-વ્હીલર ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી ભરૂચના કસક સર્કલ ખાતે મોટરસાઈકલ અને મોપેડ પર સેફ્ટી તાર લગાવવાનું વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો. આયોજક યોગી પટેલ દ્વારા SOG પોલીસ સ્ટેશન પાસે સેફ્ટી વાયરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરી કે ધારદાર માંજાથી વાહનચાલકોના ગળા કપાવાની અને ગંભીર ઈજાઓ થવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. આવા અકસ્માતોમાં જીવ બચાવવા માટે સેફ્ટી વાયર એક મજબૂત કવચ સાબિત થાય છે.

આ પ્રસંગે જિલ્લા ટ્રાફિક પીઆઈ પ્રકૃતિ ઝણકાટ અને સી ડિવિઝન પીઆઈ વનરાજસિંહ ડોડિયાના માર્ગદર્શન હેઠળ માર્ગ સલામતી જાગૃતિ અભિયાન ચલાવી નાગરિકોને સાવચેતી રાખવા સમજ અપાઈ હતી. જિલ્લા પોલીસ વડાએ નાગરિકોને અપીલ કરી હતી કે, ઉત્તરાયણનો ઉત્સવ ખુશીઓ સાથે ઉજવો પરંતુ વાહન ચલાવતી વખતે સેફ્ટી ગાર્ડનો ઉપયોગ કરી પોતાની અને અન્યની સુરક્ષાનું પણ પૂરતું ધ્યાન રાખો. પોલીસ અને સામાજિક કાર્યકરોની આ સંયુક્ત પહેલને ભરૂચના વાહનચાલકોએ આવકારી હતી અને મોટી સંખ્યામાં નાગરિકોએ પોતાના વાહનો પર સુરક્ષા તાર લગાવી આ અભિયાનમાં સહયોગ આપ્યો હતો.

Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023