Geo Gujarat News

અંકલેશ્વરમાં ભરૂચ LCBનો સપાટો, લક્ઝુરિયસ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 6.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચએ દારૂબંધીના કાયદાના કડક અમલીકરણના ભાગરૂપે અંકલેશ્વરમાં એક મોટી કાર્યવાહી કરી છે. પોલીસે અંકલેશ્વરના કરજણ સિંચાઈ યોજનાના રેસ્ટ હાઉસ સામેથી એક લક્ઝુરિયસ કારને આંતરી તેમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઓપરેશનમાં પોલીસે કુલ 6.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે.

ભરૂચ એલસીબીના પી.આઈ. એમ.પી. વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વી.પી. મલ્હોત્રા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે એક લક્ઝરી કારમાં દારૂનો મોટો જથ્થો ભરીને હાઈવે પરથી અંકલેશ્વર થઈ ભરૂચ તરફ જવામાં આવનાર છે. બાતમીના આધારે પોલીસે કરજણ રેસ્ટ હાઉસ પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કાર આવતા જ તેને રોકીને તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારમાંથી વિદેશી દારૂની કુલ 655 બોટલ મળી આવી હતી.

પોલીસે 2.97 લાખની કિંમતનો દારૂ અને કાર મળી કુલ 6.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં ભરૂચના મલબારી દરવાજા વિસ્તારમાં રહેતા મોહંમદ તોકીર ઉર્ફે રઈશ અબ્દુલ હમીદ શેખની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો સુરતના કડોદરા ખાતે રહેતા સંજય પાટીલ દ્વારા આપવામાં આવ્યો હતો. પોલીસે સંજય પાટીલ સહિત અન્ય 6 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.