Geo Gujarat News

જંબુસર: જંત્રણ ગામે વિદ્યાની કુંજ શાળામાં 300 વિદ્યાર્થીઓ માટે સુરક્ષા અને સાયબર જાગૃતિ સેમિનાર યોજાયો

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જંત્રણ ગામે આવેલી વિદ્યાની કુંજ માધ્યમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને સુરક્ષા અને કાયદાકીય જાગૃતિ આપવાના હેતુથી એક વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ધોરણ 9થી 12ના આશરે 300 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં તેમને રોજિંદા જીવનમાં મહત્વ ધરાવતા વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. આ સેમિનારનું આયોજન ભરૂચ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ, મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.આર. વાઘેલાની સૂચનાથી પી.એસ.આઈ. વી.એ. આહીરે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

સેમિનારમાં વુમન સેફ્ટી, સાયબર અવેરનેસ અને ટ્રાફિક અવેરનેસ જેવા મહત્વના વિષયો પર સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને સ્વરક્ષણના ઉપાયો, જાતીય શોષણ, હેરાનગતિ, છેડતી તેમજ ગુડ ટચ અને બેડ ટચ અંગે સમજ આપવામાં આવી, જેથી તેઓ કોઈ પણ અસામાજિક પરિસ્થિતિમાં યોગ્ય રીતે પ્રતિભાવ આપી શકે. આ ઉપરાંત સાયબર ક્રાઇમ, NDPS અધિનિયમ અને ટ્રાફિક નિયમો અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ નવા અમલમાં આવેલા કાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી, જેથી વિદ્યાર્થીઓ કાયદાની સમજ સાથે જવાબદાર નાગરિક બની શકે. આ જાગૃતિ સેમિનાર વિદ્યાર્થીઓ માટે ઉપયોગી અને માર્ગદર્શક સાબિત થયો હતો.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.