ઉતરાયણ તહેવાર નજીક આવતા જ અંકલેશ્વરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેપાર સામે પોલીસ સક્રિય બની છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે સુરવાડી બ્રિજ પાસે આવેલી HDFC બેંક નજીકથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે બે ઇસમોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ કામગીરીથી ચાઇનીઝ દોરીના ગેરકાયદે વેચાણ પર લગામ લગાવવાનો સંદેશો મળ્યો છે. કલેક્ટર દ્વારા ઉત્તરાયણ તહેવાર દરમિયાન સ્કાય લેન્ડર્સ ચાઇનીઝ તુક્કલ તેમજ સિન્થેટિક કે ચાઇનીઝ મટીરીયલ, ટોક્સિક કે ઝેરી તત્વો અને નાયલોન-પ્લાસ્ટિક જેવા પાકા દોરાના ઉપયોગ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. માનવ, પશુ, પક્ષી તેમજ પર્યાવરણને થતા ગંભીર નુકસાનને અટકાવવા માટે આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.
મળેલી બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમે કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન એક ઇસમ પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કુલ પાંચ બોબીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે સતીષ સંજયભાઈ વસાવા (ઉંમર 21, રહે. સંજયનગર, મસ્જીદ ફળિયું, અંકલેશ્વર શહેર) તથા સુમિત નરેશભાઈ ગોહિલ (ઉંમર 19, રહે. જુના તવરા, સોસાયટી ફળિયું, ભરૂચ)ની અટકાયત કરી હતી. પોલીસે બંને આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે. ઉત્તરાયણ દરમ્યાન પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન થાય તે માટે પોલીસ દ્વારા સતત ચેકિંગ અને કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023