ખંભાત શહેરના ખારીવાડી વિસ્તારમાંથી એક પરિણીતા અચાનક ગુમ થઈ જવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. ખારીવાડી સ્થિત જગન્નાથ મંદિર નજીક રહેતી 35 વર્ષીય જયેનાબાનુ વિજયભાઈ ચાવડા ગત તારીખ 4 જાન્યુઆરીના રોજ પોતાના ઘરેથી હોસ્પિટલ જવું છે. તેમ પરિવારજનોને કહીને નીકળી હતી. જો કે તે દિવસ બાદ આજદિન સુધી તેણી ઘરે પરત ફરી નથી, જેથી પરિવારજનોમાં ભારે ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે. પરિવારજનોએ શરૂઆતમાં તેણી નજીકની હોસ્પિટલમાં કે કોઈ સગા-સંબંધીઓ પાસે ગઈ હશે તેમ માની રાહ જોઈ હતી. પરંતુ સમય પસાર થવા છતાં કોઈ સંપર્ક ન થતાં પરિવારજનોએ તેણીની વ્યાપક શોધખોળ શરૂ કરી હતી. ખંભાત તેમજ આસપાસના વિસ્તારોમાં સગા-વ્હાલાઓને પૂછપરછ કરી, સંભવિત સ્થળોએ તપાસ હાથ ધરાઈ હતી, છતાં પણ જયેનાબાનુ અંગે કોઈ મહત્વપૂર્ણ માહિતી મળી શકી નહોતી.

આખરે પરિવારજનોએ આ મામલે ખંભાત શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમશુદા અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા પરિણીતા કઈ દિશામાં ગઈ હોઈ શકે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત નજીકના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે તેમજ હોસ્પિટલ અને અન્ય જાહેર સ્થળોએ પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પરિણીતા અચાનક ગુમ થતાં પરિવારજનો માનસિક તણાવમાં મુકાયા છે. અને કોઈ અણચિંતી ઘટનાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. પોલીસે સામાન્ય નાગરિકોને અપીલ કરી છે કે, જો કોઈને જયેનાબાનુ વિજયભાઈ ચાવડા અંગે કોઈપણ પ્રકારની માહિતી મળે તો તાત્કાલિક ખંભાત શહેર પોલીસનો સંપર્ક કરે, જેથી તેણીને વહેલી તકે શોધી કાઢી શકાય.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com