ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં સતત વધતી જતી ઘરફોડ ચોરીની ઘટનાઓને ડામવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા અપાયેલી સૂચનાના પગલે ઉમલ્લા પોલીસ ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે. પોલીસે રાયસીંગપુરા ગામે થયેલી ચોરીના ગુનામાં સંડોવાયેલા એક રીઢા તસ્કરને ઝડપી પાડી, છેલ્લા ત્રણ મહિનામાં આચરેલી બે મોટી ચોરીઓના ભેદ ઉકેલી નાખ્યા છે. ઉમલ્લા પોલીસ મથકના સ્ટાફને મળેલી સચોટ બાતમીના આધારે, પોલીસે વોચ ગોઠવી રાયસીંગપુરા ગામના કેતન વસાવા નામના શખ્સને ઝડપી લીધો હતો. ગત ૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ રાયસીંગપુરામાં ગીતાબેન વસાવાના બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરવામાં આવી હતી. આરોપીના ઘરે તપાસ કરતા ચોરીમાં ગયેલા ચાંદીના સાંકળા મળી આવ્યા હતા.

પોલીસની કડક પૂછપરછમાં આરોપી કેતન વસાવાએ કબૂલાત કરી હતી કે તે લાકડા કાપવાનું કામ કરે છે. આ કામના બહાને તે ગામમાં કયા મકાનો બંધ છે તેની રેકી કરતો હતો. તક મળતા જ તે ઘરના પાછળના દરવાજેથી અંદર ઘૂસી તિજોરીના તાળા તોડી દાગીનાની ચોરી કરતો હતો. રાયસીંગપુરા ઉપરાંત તેણે ત્રણ મહિના અગાઉ વાઘપુરા ગામે રાજેશભાઈ વસાવાના ઘરે પણ આ જ રીતે સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાનું કબૂલ્યું છે. મુદ્દામાલ કબજે કરી તપાસ તેજ કરી ઉમલ્લા પોલીસે બંને ગુનાઓમાં ચોરી થયેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. ભરી બપોરે ચોરીની ઘટનાઓને અંજામ આપતા આ તસ્કરને જેલ ભેગો કરતા સ્થાનિક રહીશોએ પોલીસની કામગીરીને બિરદાવી છે. હાલ પોલીસ આ આરોપી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com