Geo Gujarat News

ભરૂચ: પારો 5 ડિગ્રી ઉછળવા છતાં ઠંડીનો ચમકારો યથાવત, પવનની ગતિ વધતા ખેતી પાક માટે એડવાઈઝરી જાહેર

ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો વધારો નોંધાયો હોવા છતાં, પવનની વધતી ગતિને કારણે જિલ્લાવાસીઓ હજુ પણ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ચાર દિવસમાં તાપમાનનો પારો હજુ પણ વધવાની શક્યતા છે. તાપમાન અને પવનની સ્થિતિ છેલ્લા 24 કલાક દરમિયાન ભરૂચ જિલ્લામાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 29 થી 47 ટકાની વચ્ચે રહ્યું છે, જ્યારે પવનની ગતિ વધીને 13 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી છે. પવનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે.

ખેડૂતો માટે મહત્વની સલાહ બદલાતા હવામાન અને વધતા પવનને ધ્યાનમાં રાખીને કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને ખાસ સૂચના આપવામાં આવી છે. જેમાં પાકની સારી વૃદ્ધિ માટે આંતરખેડ અને નિંદામણ કરવાની સલાહ છે. તુવેરમાં લીલી ઈયળના ઉપદ્રવને રોકવા માટે ખેતરની ચારેબાજુ અને પાકની વચ્ચે પીળા ગલગોટાનું વાવેતર કરવું જોઈએ, જે કુદરતી રીતે જીવાત નિયંત્રણમાં મદદરૂપ થાય છે. હાલ પવનની ગતિ વધુ હોવાથી, ખેતી પાકોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરતી વખતે પવનની દિશા અને ગતિનું ખાસ ધ્યાન રાખવા જણાવાયું છે. હવામાનમાં આવી રહેલા આ ફેરફારોને કારણે મિશ્ર ઋતુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર જનજીવન અને ખેતી બંને પર પડી રહી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.