જંબુસર પંથકમાં રખડતા પશુઓના કારણે વધુ એક નિર્દોષ યુવાનનો ભોગ લેવાયો છે. જંબુસરના મંગણાદ ગામ પાસે નીલ ગાય અને કાર વચ્ચે સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં બાઈક સવાર યુવાનનું કરુણ મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે. ઘટનાની વિગત મુજબ, જંબુસર તાલુકાના મંગણાદ ગામે રહેતા વિજય ખુમાનસંગ વાવડ આજે વહેલી સવારે પોતાની મોટરસાયકલ પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન મંગણાદ ગામ નજીક અચાનક એક નીલ ગાય દોડતી રસ્તા પર આવી ચઢી હતી અને બાઈક સાથે જોરદાર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે વિજયભાઈ હવામાં ઉછળીને સામેથી આવી રહેલી એક કાર સાથે જઈ ભટકાયા હતા.

આ ત્રિપાંખિયા અકસ્માતમાં વિજય વાવડને માથાના ભાગે તથા શરીરે જીવલેણ ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવાનને 108 એમ્બ્યુલન્સ મારફતે જંબુસરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. યુવાનના અકાળે અવસાનથી મંગણાદ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવાર નોંધારો બન્યો છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં ગૌચરની જમીનો પર વ્યાપક દબાણો થઈ ગયા છે. પશુઓ માટે ચરવા માટે જગ્યા કે ઘાસચારો ન બચતા નીલ ગાય જેવા જંગલી પશુઓ ખોરાકની શોધમાં રસ્તા પર ઉતરી આવે છે, જે વાહનચાલકો માટે કાળ સાબિત થઈ રહ્યા છે. તંત્રની બેદરકારીને કારણે એક આશાસ્પદ યુવાને જીવ ગુમાવવો પડ્યો હોવાના આક્ષેપ સાથે લોકોએ દબાણો દૂર કરવાની માંગ કરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com