નેત્રંગ-રાજપારડી રોડ પર આવેલા ફોકડી અને વડપાન ગામની સીમમાં નવી પથ્થરની લીઝ મંજૂર કરવાની હિલચાલ સામે સ્થાનિક આદિવાસી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોતાના અસ્તિત્વ અને ખેતી બચાવવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડેલા ખેડૂતોએ નેત્રંગ મામલતદારને લેખિત રજૂઆત કરી આ લીઝને તાત્કાલિક અસરથી નામંજૂર કરવાની માંગ કરી છે. ખેતી અને રહેણાંક મકાનો પર જોખમ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ફોકડી-વડપાન ગામ વચ્ચેની સર્વે નં. 16 વાળી જમીન પર પથ્થરની લીઝ શરૂ કરવા માટેની પ્રક્રિયા હાલ ગતિમાં છે. આ જમીનની આસપાસના તમામ ખાતેદારો આદિવાસી ખેડૂતો છે, જેમના માટે આ જમીન જીવનનિર્વાહનું એકમાત્ર સાધન છે. ખેડૂતોનો આરોપ છે કે જો અહીં લીઝ શરૂ થશે, તો પથ્થરના બ્લાસ્ટિંગને કારણે આસપાસના ફોકડી, વડપાન અને ભોટનગર ગામના ગરીબ પરિવારોના સરદાર આવાસ સહિતના કાચા મકાનોમાં તિરાડો પડી શકે છે અને ભારે નુકસાન થઈ શકે છે.
પર્યાવરણ અને સુરક્ષા સામે પ્રશ્નાર્થ ખેડૂતોએ વધુમાં ચિંતા વ્યક્ત કરી છે કે પથ્થરના ખોદકામથી ભૂગર્ભ જળના સ્ત્રોત ઊંડા ઉતરી જશે, જેના કારણે ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાશે. આ ઉપરાંત, જે સર્વે નંબર પર લીઝની પ્રક્રિયા ચાલી રહી છે, તેની નજીકથી જ વીજ કંપનીની હાઈ-ટેન્શન લાઈન પસાર થાય છે. લીઝ દરમિયાન થતા બ્લાસ્ટિંગથી આ લાઈનને નુકસાન થવાની સંભાવના હોવાથી મોટી દુર્ઘટનાનું જોખમ પણ તોળાઈ રહ્યું છે. આદિવાસી પરિવારોની આજીવિકા બચાવવા માંગ સો ટકા આદિવાસી વસ્તી ધરાવતા આ ત્રણેય ગામના પરિવારોએ એકસૂરે જણાવ્યું હતું કે તેમની પાસે ખેતી સિવાય આવકનું બીજું કોઈ સાધન નથી. પથ્થરની ખાણોથી થતા પ્રદૂષણ અને નુકસાનને કારણે તેમની આજીવિકા છીનવાઈ જશે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને સરકારે જનહિતમાં આ લીઝને મંજૂરી ન આપવી જોઈએ તેવી પ્રબળ માંગ ઉઠી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com