અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડીયાને સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪–૨૫ અંતર્ગત મહત્વપૂર્ણ સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ સન્માન ભારત સરકારના આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા આયોજિત સ્વચ્છ સર્વેક્ષણ હેઠળ સ્વચ્છ ભારત મિશન-અર્બન, ગુજરાત દ્વારા આપવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ સન્માન આપવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકાએ સ્વચ્છતા, ઘન કચરા વ્યવસ્થાપન અને સુવ્યવસ્થિત શહેરી વિકાસના ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હોવાથી આ ગૌરવ પ્રાપ્ત થયું છે.

ચીફ ઓફિસર કેશવલાલ કોલડીયાના સક્ષમ નેતૃત્વ હેઠળ સ્વચ્છતા અભિયાનને અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવ્યું હતું. ડોર-ટુ-ડોર કચરા સંકલન, ઘન કચરા વ્યવસ્થાપન, જનજાગૃતિ કાર્યક્રમો તથા નાગરિકોની સક્રિય ભાગીદારી આ સફળતાના મુખ્ય આધાર રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ માત્ર નગરપાલિકાની નથી, પરંતુ સમગ્ર અંકલેશ્વર શહેરના નાગરિકોની સંયુક્ત મહેનતનું પરિણામ છે. આ સન્માનથી શહેરને વધુ સ્વચ્છ, સ્વસ્થ અને આરોગ્યપ્રદ બનાવવાની દિશામાં નવી પ્રેરણા મળી છે, તેમજ ભવિષ્યમાં સ્વચ્છતામાં અગ્રગણ્ય બનવા નગરપાલિકાની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બની છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com