Geo Gujarat News

આમોદ: તણછામાં આધુનિક ખેતી પર એક દિવસીય ખેડૂત શિબિર, 54 ખેડૂતોએ મેળવ્યું પ્રાયોગિક માર્ગદર્શન

ભરૂચ જિલ્લાના તણછા ખાતે કૃષિ સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, તણછા તથા સરદાર સરોવર નર્મદા નિગમ લિ., ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય ખેડૂત શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અને નવીન કૃષિ તકનીકો અંગે માહિતગાર કરવાનો રહ્યો. નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ તથા સંશોધન નિયામક ડો. ટી.આર. અહલાવત અને સહ સંશોધન નિયામક ડો. વી.આર. નાયકના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ શિબિરમાં ખેડૂતોને ખેતીમાં આધુનિકરણ દ્વારા ખર્ચ ઘટાડીને વધુ નફો મેળવવાના ઉપાયો અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી.

 

શિબિર દરમિયાન ખેડૂતોને કેન્દ્ર ખાતે વિકસિત તુવેર, તરબૂચ, પાપડી અને દિવેલા જેવા પાકોના નિદર્શન પ્લોટની મુલાકાત કરાવવામાં આવી, જ્યાં પ્રાયોગિક રીતે આધુનિક ખેતી તકનીકોની માહિતી આપવામાં આવી. કૃષિ સંશોધન કેન્દ્રના વડા ડો. અંકિત ગઢિયાએ કેન્દ્ર દ્વારા ચાલી રહેલી વિવિધ સંશોધન તથા વિસ્તરણ પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપ્યું. સરદાર સરોવર નર્મદા નિગમના સિનિયર રિસર્ચ ફેલો પ્રતિક પટેલે સંકલિત પોષણ વ્યવસ્થાપન વિષય પર ઉપયોગી માહિતી આપી.

ઉપરાંત ખેતીવાડી શાખા, આમોદના વિસ્તરણ અધિકારી (ખેતી) શ્રી ધવલસિંહ રાજેએ ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી, જ્યારે ખેતીવાડી શાખા, વાગરાના વિસ્તરણ અધિકારી (ખેતી) દિલીપ વસાવાએ શાખાની કાર્યપદ્ધતિ અંગે ખેડૂતોને માહિતગાર કર્યા. આ શિબિરમાં કુલ 54 ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આધુનિક ખેતી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન મેળવ્યું હતું.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.