Geo Gujarat News

ભરૂચ: ઉતરાયણમાં વીજ અકસ્માતો ટાળવા DGVCL સજાગ, જિલ્લાના નાગરિકોને સુરક્ષા સૂચનો જાહેર

ભરૂચ જિલ્લામાં ઉતરાયણ પર્વની તૈયારીઓ વચ્ચે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડએ વીજ સલામતી અંગે મહત્વની સૂચનાઓ જાહેર કરી છે. પતંગોત્સવ દરમિયાન થતી નાની બેદરકારી પણ ગંભીર વીજ અકસ્માતમાં ફેરવાઈ શકે છે, તેથી તહેવારની ઉજવણી દરમિયાન લોકો સતર્ક રહે તેવી અપીલ કરવામાં આવી છે.

DGVCL ભરૂચ શહેર વિભાગના નાયબ ઇજનેર એચ.ટી. મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ઉતરાયણ દરમિયાન પતંગ ચગાવતી કે દોરી લૂંટતી વખતે ખુલ્લા વીજ તારાઓની નજીક જવું જોખમી છે. ખાસ કરીને પતંગ છૂટાવવા માટે લંગર નાખવાની પ્રવૃત્તિથી બચવા સૂચન કરાયું છે, કારણ કે લંગરથી વીજ તારાઓ એકબીજાને સ્પર્શી શકે છે અને શોર્ટ સર્કિટ અથવા આગ લાગવાની ઘટના બની શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેગ્નેટિક ટેપ, સિન્થેટિક દોરી અથવા વીજ વહન કરતી માંજાનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. આવી દોરીઓ વીજ લાઈનોને નુકસાન પહોંચાડે છે અને સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ શકે છે, સાથે જ માનવજીવન માટે ગંભીર જોખમ ઊભું કરે છે. કોઈ પણ પ્રકારની વીજ તકલીફ, તાર તૂટી પડવાની ઘટના કે ઇમરજન્સી સ્થિતિમાં નાગરિકો DGVCLના ટોલ ફ્રી નંબર 1800 233 3003 અથવા 19123 પર તરત જાણ કરી શકે છે. ઉપરાંત વોટ્સએપ નંબર 63570 97833 પર પણ ફરિયાદ નોંધાવી શકાય છે. DGVCL દ્વારા તમામ નાગરિકોને ઉતરાયણ પર્વને સુરક્ષિત અને આનંદમય બનાવવા સહકાર આપવા અપીલ કરવામાં આવી છે, જેથી કોઈ અણઘટિત ઘટના વિના તહેવાર ઉજવાઈ શકે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.