Geo Gujarat News

અંકલેશ્વરમાં મગરની લટાર, છાપરા પાટિયા રોડ પર પાંચ ફૂટ લાંબો મગર દેખાતા રાહદારીઓમાં ફફડાટ

અંકલેશ્વરના છાપરા પાટિયાથી ભૂત મામાની ડેરી તરફ જતાં માર્ગ પર મગર દેખાવાની ઘટના સામે આવતા આસપાસના રહીશો અને વાહનચાલકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રહેણાંક અને અવરજવર વાળા વિસ્તારની એકદમ નજીક મગર દેખાતા સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. ​પ્રાપ્ત વિગતો અનુસાર, છાપરા પાટિયાથી ભૂત મામાની ડેરી વચ્ચેના મુખ્ય માર્ગની સાઈડમાં પાણી ભરાયેલા એક ખાડામાં મગરનું બચ્ચું આરામ કરતું જોવા મળ્યું હતું. આ મગર અંદાજે પાંચથી છ ફૂટ લાંબો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. માર્ગ પરથી પસાર થતા રાહદારીઓની નજર મગર પર પડતા જ લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા, જેના કારણે વાહનચાલકોમાં પણ ગભરાટ ફેલાયો હતો.
​સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં મગર દેખાવાની આ કોઈ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ આ જ સ્થળે અનેકવાર મગરો દેખાઈ ચૂક્યા છે. વારંવાર મગરો રહેણાંક વિસ્તારની નજીક આવી જતાં સ્થાનિકોમાં પોતાના અને પશુઓના જીવને લઈને ચિંતા વધી ગઈ છે. ચોમાસા બાદ ભરાયેલા પાણીના ખાડાઓને કારણે વન્યજીવો શહેરી વિસ્તાર તરફ વળી રહ્યા હોવાનું માનવામાં આવે છે. ​મુખ્ય માર્ગ પર મગર હોવાની જાણ થતાં જીવદયા પ્રેમીઓ અને વન વિભાગને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. વન વિભાગ આ મગરનું રેસ્ક્યૂ કરી તેને કોઈ સુરક્ષિત સ્થળે કે નદીમાં મુક્ત કરે તેવી માંગ ઉઠી છે, જેથી કોઈ અપ્રિય ઘટના ન બને.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.