ભારતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો ભરૂચ અને સુરત જિલ્લાને જોડતો એક મહત્વનો હિસ્સો આજથી વાહનચાલકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. ભરૂચના દહેગામથી સુરતના કીમ સુધીના આ માર્ગ પર ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યો છે, જેનો સીધો લાભ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગત અને દૈનિક મુસાફરોને મળશે. અંકલેશ્વર તાલુકાના પુનગામથી સુરતના કીમ સુધીના નિર્માણ પામેલા આ પેચનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડીસીસી ઇન્ફ્રાના સિનિયર પ્રોજેક્ટ મેનેજર અરવિંદ કક્કર, રોહતાસ કુમાર, ટીમ લીડર પ્રમોદ કુમાર તેમજ સ્થાનિક અગ્રણી રાજુ વાંસદીયા દ્વારા શ્રીફળ વધેરીને માર્ગને વાહનવ્યવહાર માટે પ્રસ્થાન કરાવ્યું હતું. આ માર્ગ શરૂ થવાથી ભરૂચથી બારડોલીના એના સુધીનું અંતર કાપવામાં સમય અને ઈંધણની મોટી બચત થશે.
એક તરફ હાઈવે શરૂ થવાની ખુશી હતી, તો બીજી તરફ અંકલેશ્વરના પુનગામ નજીક આવેલો એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ અચાનક બંધ કરી દેવામાં આવતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. કોઈ પણ પૂર્વ સૂચના કે ડાયવર્ઝનના બોર્ડ વગર આ પોઈન્ટ બંધ કરી દેવાતા અનેક વાહનચાલકો રસ્તાની વચ્ચે જ અટવાઈ ગયા હતા. યોગ્ય માર્ગદર્શનના અભાવે વાહનચાલકોએ તંત્રની કામગીરી સામે ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. એક્સપ્રેસવે પર હાલમાં સુરક્ષાને પ્રાધાન્ય આપીને માત્ર એક જ તરફની લેનમાં બંને બાજુનો વાહનવ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે.

પ્રોજેક્ટ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં બાકી રહેલી કામગીરી પૂર્ણ થતા જ બંને તરફની લેન અલગ-અલગ રીતે શરૂ કરી દેવામાં આવશે.મુસાફરીને સુગમ બનાવવા માટે વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટરોએ માંગ કરી છે કે, એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ ક્યારે ખુલ્લો રહેશે અને ક્યારે બંધ, તેની સ્પષ્ટ માહિતી સાઈનબોર્ડ દ્વારા આપવામાં આવે. યોગ્ય માર્ગદર્શન વગર એક્સપ્રેસવે પર પ્રવેશવું જોખમી બની શકે છે, તેથી તંત્ર આ બાબતે વહેલી તકે સ્પષ્ટતા કરે તે જરૂરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com