ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આયોજિત સ્વનિધિ સમારોહમાં ભરૂચ જિલ્લાની જંબુસર નગરપાલિકાએ ઝળહળતી સફળતા મેળવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ PM સ્વનિધિ યોજનાના અસરકારક અમલીકરણ માટે જંબુસર નગરપાલિકાને બેસ્ટ પર્ફોર્મન્સ ULB (અર્બન લોકલ બોડી)નો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યની તમામ પાલિકાઓ અને મહાનગરપાલિકાઓની કામગીરીની સમીક્ષા બાદ જંબુસરની પસંદગી કરવામાં આવી હતી. રાજ્યના નાણા અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે આ ગૌરવશાળી સન્માન એનાયત કરાયું હતું. જંબુસર નગરપાલિકા વતી ચીફ ઓફિસર પંકજ નાયક તેમજ NULM શાખાના કર્મનિષ્ઠ કર્મચારીઓ રેશ્માબેન પટેલ અને ચાર્મીબેન ભટ્ટે મોમેન્ટો અને પ્રમાણપત્ર સ્વીકારી પાલિકાનું નામ રોશન કર્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ પાલિકાની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, નાના ફેરિયાઓ અને શ્રમિકો સુધી યોજનાના લાભો પહોંચાડવામાં જંબુસરે અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સ્વનિધિ સે સમૃદ્ધિ અભિયાન અંતર્ગત યોજાયેલા આ સમારોહમાં રાજ્યભરના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર નગરપાલિકાની આ સિદ્ધિ પાછળ સ્ટાફની મહેનત અને લાભાર્થીઓ સુધી પહોંચવાની સચોટ વ્યૂહરચના મુખ્ય રહી છે. આગામી સમયમાં પણ વધુમાં વધુ જરૂરિયાતમંદોને આ યોજના હેઠળ આવરી લઈને તેઓને આર્થિક રીતે પગભર કરવા માટે પાલિકા તંત્રએ મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે. આ એવોર્ડ મળતા જંબુસર પંથકમાં અને પાલિકા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com