વિકાસની વાતો વચ્ચે આમોદ તાલુકાનું રોજા ટંકારીયા ગામ આજે પાયાની જરૂરિયાત એવી પાણીની સુવિધા માટે વલખાં મારી રહ્યું છે. ગામના પાછલા ફળિયામાં છેલ્લા છ મહિનાથી નળ વાટે આવતું પાણી પીવાલાયક તો ઠીક, નાહવા કે ઘરગથ્થુ વપરાશ માટે પણ અયોગ્ય હોવાની બૂમ ઉઠી છે. ગટર જેવું કાળું, ફીણવાળું અને દુર્ગંધયુક્ત પાણી પીવા મજબૂર બનેલા ગ્રામજનોના આરોગ્ય સામે હવે મોટું જોખમ ઊભું થયું છે.

સ્થાનિક રહીશ મયુરભાઈ મકવાણાએ તંત્રની ઉદાસીનતાનો પર્દાફાશ કરતા નળમાંથી આવતા ગંદા પાણીની બોટલ ભરીને સીધો સરપંચને સવાલ કર્યો હતો કે, જો આ પાણી પીવા લાયક હોય તો તમે પીશો? સૂત્રોના જણાવ્યા અનુસાર, ખુદ સરપંચે પણ આ પાણી પીવાનો ઇનકાર કરી દીધો હતો. આ ઘટનાએ પંચાયતની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે. જ્યારે જનપ્રતિનિધિ પોતે આ પાણી પીવા તૈયાર નથી, ત્યારે સામાન્ય જનતાને આ ધીમું ઝેર પીવા કેમ મજબૂર કરવામાં આવે છે?

ગ્રામજનોએ જ્યારે પાણી પુરવઠાની કુંડી બતાવી ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી. પાણીની મુખ્ય કુંડી ખુલ્લી હાલતમાં છે, જેમાં દેડકા, જીવડા અને કચરાનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. આ જ ગંદકીવાળું પાણી શુદ્ધિકરણ વગર સીધું લોકોના ઘરો સુધી પહોંચી રહ્યું છે.

વારંવાર રજૂઆતો કરવા છતાં તલાટી કે પંચાયતના સભ્યોએ આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. દૂષિત પાણીના કારણે ગામમાં ચામડીના રોગો, પેટનો દુખાવો અને તાવના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ, મજૂરી કરીને ગુજરાન ચલાવતા ગરીબ પરિવારોને 3 કિલોમીટર દૂરથી પાણી વેચાતું લાવવું પડે છે, જેના કારણે તેમના પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે.ગ્રામજનોનો આરોપ છે કે તંત્ર કોઈ મોટી હોનારત કે રોગચાળાની રાહ જોઈ રહ્યું છે. જો આગામી દિવસોમાં શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. શું વહીવટીતંત્ર જાગશે ખરું? કે પછી રોજા ટંકારીયાના રહીશો આ ગંદકીમાં જીવવા માટે લાચાર રહેશે?
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023