ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ગૃહ વિભાગ દ્વારા સંચાલિત ‘૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન’ ભરૂચ જિલ્લાની પીડિત મહિલાઓ માટે ખરા અર્થમાં આશાનું કિરણ બનીને ઉભરી છે. છેલ્લા એક વર્ષના આંકડાકીય વિશ્લેષણ પર નજર કરીએ તો, જિલ્લાની અંદાજે ૪,૫૫૩ મહિલાઓએ મુશ્કેલીના સમયે આ હેલ્પલાઇનનો સહારો લીધો છે. ઇ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા પૂરી પાડવામાં આવતી આ સેવામાં માત્ર ફોન પર માર્ગદર્શન જ નહીં, પરંતુ ગંભીર કિસ્સાઓમાં ત્વરિત બચાવ કામગીરી પણ કરવામાં આવી છે.
પ્રાપ્ત અહેવાલ મુજબ, વર્ષ દરમિયાન આવેલા કુલ ૪,૫૫૩ કોલમાંથી ૭૩૧ કિસ્સાઓમાં સ્થિતિની ગંભીરતા જોતા અભયમ રેસ્ક્યુ વાન ત્વરિત ઘટનાસ્થળે પહોંચી હતી. આ પૈકી ૫૫૩ કેસમાં ટીમે સ્થળ પર જ કુશળ કાઉન્સેલિંગ દ્વારા પારિવારિક સમાધાન કરાવ્યું હતું, જ્યારે ૧૧૧ જેટલા અતિ જટિલ કિસ્સાઓમાં મહિલાઓને સુરક્ષિત આશ્રય આપવા કે આગળની કાર્યવાહી માટે નારી સંરક્ષણ ગૃહ જેવી સરકારી એજન્સીઓમાં રિફર કરવામાં આવી હતી. મહિલાઓ દ્વારા કરવામાં આવેલા કોલ્સમાં સૌથી વધુ ૨,૩૦૨ કિસ્સા ઘરેલુ હિંસાના નોંધાયા હતા, જે સમાજ માટે ચિંતાનો વિષય છે. આ ઉપરાંત, લગ્નજીવનના વિખવાદોના ૩૭૨, શારીરિક અને માનસિક હેરાનગતિના ૭૪૮, સંતાનોની કસ્ટડીના ૮૧ તેમજ કાયદાકીય ગૂંચવણોના ૬૪ કેસમાં અભયમ ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. માત્ર ગંભીર ગુનાઓ જ નહીં, પરંતુ અજાણ્યા નંબર પરથી આવતા બિનજરૂરી મેસેજ અને ફોન કોલથી પરેશાન ૫૫ મહિલાઓને પણ હેલ્પલાઇન દ્વારા રાહત અપાવવામાં આવી હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com