ઓડિશાના કટક ખાતે આયોજિત BAMCEF અને ભારત મુક્તિ મોરચાના રાષ્ટ્રીય અધિવેશનની મંજૂરી વહીવટી તંત્ર દ્વારા અચાનક રદ કરવામાં આવતા સમગ્ર દેશમાં સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં પણ વિવિધ સંગઠનોના આગેવાનોએ આ નિર્ણયને લોકશાહી અને બંધારણીય અધિકારોનું હનન ગણાવીને તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું. સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે, OBCની જાતિ આધારિત વસ્તી ગણતરી જેવા મહત્વના મુદ્દાઓને દબાવવા માટે RSS અને ભાજપના ઈશારે આ કાવતરું ઘડવામાં આવ્યું છે. તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરી હોવા છતાં અંતિમ સમયે પરવાનગી નકારવામાં આવતા સંગઠનોએ તેને બંધારણની કલમ 14, 19 અને 21 હેઠળ મળેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. આગેવાનોના મતે, આ માત્ર કાર્યક્રમ રદ કરવાની બાબત નથી પરંતુ SC, ST, OBC અને આદિવાસી સમાજના અવાજને રુંધવાનો પ્રયાસ છે. આ નિર્ણયને કારણે દેશભરમાંથી કટક પહોંચેલા હજારો પ્રતિનિધિઓને માનસિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
આ અન્યાય સામે સંગઠનોએ હવે આરપારની લડાઈના મંડાણ કર્યા છે. ભરૂચમાં આવેદનપત્ર આપતી વખતે આગામી આંદોલનની જાહેરાત કરતા જણાવાયું હતું કે, 15 જાન્યુઆરીએ જિલ્લા મથકો પર ધરણા પ્રદર્શન અને 22 જાન્યુઆરીએ વિશાળ રેલી યોજવામાં આવશે. આ આંદોલનના અંતિમ ચરણમાં 22 ફેબ્રુઆરીના રોજ નાગપુર ખાતે RSS ના મુખ્યાલય સામે એક ભવ્ય વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સંગઠનોની સ્પષ્ટ માંગ છે કે અધિવેશનની પરવાનગી પુનઃસ્થાપિત કરવામાં આવે અને પ્રતિનિધિઓને થયેલા નુકસાનની યોગ્ય ભરપાઈ કરવામાં આવે. આ પ્રસંગે ભારતીય યુવા મોરચાના ભરૂચ જિલ્લા અધ્યક્ષ લંકેશ મયાત્રા, બામસેફના નરેશ ગોહિલ, પરેશ મહેતા તેમજ ભારત મુક્તિ મોરચાના અરવિંદ પરમાર, ઈશ્વર વાઘેલા, નટુ પરમાર અને રમેશ પરમાર સહિતના અનેક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૂત્રોચ્ચાર દ્વારા પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com